રસ્તે ઊતરતા ધરતીપુત્રોને બોલાવીને સરકાર ચર્ચા કરે : શંકરસિંહ વાઘેલા
વિકાસ સાથે ભાજપને કોઈ સબંધ નથી. હતો પણ નહી. બ્રાન્ડીંગ સાથે ઉભા કરેલા ગુજરાત મોડલના વિકાસનો ગુબ્બારો ફુટી ગયો છે. ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપ લાગણી ઉશ્કેરીને લોકોને ભોટ બનાવે છે. તેમ જણાવતા વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યની ભાજપ સરકાર રસ્તે ઉતરતા ધરતીપુત્રો પર અંગ્રેજોની જેમ ગોળીબાર અને ટીયરગેસ ફોડવાનું બંધ કરી પાટીદાર યુવાનો પ્રત્યે સાહનુભૂતિ રાખી ચર્ચા માટે સામેથી બોલાવે, મૌન તોડે તેવી માંગણી કરી છે.
ભાજપ સરકાર હરહંમેશ ચર્ચાથી દૂર ભાગે છે અને તેથી વિધાનસભાના સત્રો પણ બે-ત્રણ દિવસના રાખે છે. લોકશાહીમાં ચર્ચાને બદલે સરમુખત્યારશાહી સિધ્ધાંતો પર વર્તતી સરકારે મતદાન માટે લોકોનું મન જિતવાને બદલે ફરજિયાત મતદાનનો કાયદો થોપ્યો છે. તેનો ઉપયોગ નાગરિકો પોતાનો રોષ ઠાલવીને કરશે. તેમ જણાવતા વાઘેલાએ કહ્યુ કે, રૂપિયા બે લાખ કરોડનું દેવુ. ઉદ્યોગો ખતમ, વેપાર તોડતી ભાજપની નીતિઓથી લોકોમાં અસંતોષ છે. માટે ધરતીપુત્રના પુત્રો રોડ ઉપર ઉતરીને ભવિષ્યની સલામતી માંગી રહ્યા છે. ૨૦૦૨થી ૨૦૧૪ સુધીમાં ગુજરાતનો ખેડૂતો સરકારી યોજનાને કારણે ન્યાલ થયો હોય તેવો એક પણ દાખલો નથી. માત્ર સારો વરસાદ અને યુપીએ સરકારની ટેકાના ભાવો, રૂ.૭૨૦૦૦ કરોડના દેવાની માફી અને કપાસની કિંમતોના મહત્વકાંક્ષી નિર્ણયોથી ખેડૂતો, ગ્રામ્ય અર્થતંત્ર ધબકતુ રહ્યુ હતુ. ત્યારે આ જ ભાજપના નેતા મનમોહનસિંઘને મૌની બાબા કહેતા હતા. હવે બહુ બોલકણા તેમના મોડલ મુદ્દે મૌન થઈ ગયા છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3104810