યુવા રોજગાર અધિકાર રેલી કાઢી કલેકટરને આવેદન

આણંદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા યુવાનોના અધિકાર માટે સરકાર સામે આંદોલનનું રણસીંગુ ફુક્યું છે. ભાજપ સરકારને યુવાનોની એક્તા શક્તિ બતાવવા ‘યુવા રોજગાર અધિકાર રેલી’નું આયોજન કરેલ જે અંતર્ગત આજે શહેરના અમુલ ડેરી રોડ પર વિશાળ સંખ્યામાં યુવાનો ભેગા થઈ રેલી સ્વરૃપે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીને ઉપરોક્ત વિષય પર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આણંદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર સહિતના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરેલ આવેદનપત્રમાં જણાવ્યં હતું કે ગુજરાતમાં ભાજપનાં શાસનમાં છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ રૃપ ધારણા કરતી જાય છે. જેને નિવારવા રાજ્ય સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગુજરાતમાં ૩૦ લાખથી પણ વધુ યુવાનો બેરોજગાર છે. ૧૦ લાખથી પણ વધુ શિક્ષિત બેરોજગાર છે. જો સરકાર ઈચ્છે તો, સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરીને તેમજ ગુજરાતમાં ખુલતી નવી ખાનગી કંપનીઓમાં ગુજરાતના યુવાનો માટે અનામત રાખાવી ગુજરાતના યુવાનોને બેરોજગારીના ખપ્પરમાંથી ઉગારી શકે છે.

આ પ્રસંગે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિભાઈ સોઢા પરમાર, આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય પુનમભાઈ પરમાર, આણંદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ પઢીયાર, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી ભરતભાઈ સોલંકી, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ માનસિંહ ડોડીયા, અલ્પેશ પુરોહિત, સાવજસિંહ ગોહેલ, આણંદ વિધાનસભા યુથ પ્રમુખ મહેશભાઈ રાઠોડ, સીરાજ દિવાન, વિક્રમભાઈ, રાજેશભાઈ પઢીયાર, આણંદ શહેર યુથ પ્રમુખ કેતન બારોટ, વિજયસિંહ પરમાર તથા શહેરના યુથ કોંગ્રેસ પરિવારના અને જિલ્લાના તમામ યુથ કોંગ્રેસ કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/kheda-anand-nadiad-gujarat-congress-rally4035