યુવાનોને રોજગારી, ખેડૂતોને પૂરતા ભાવ, અપાવવામાં સરકાર નિષ્ફળ: રાહુલ ગાંધી
કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કૃષ્ણભૂમિ દ્વારકા ખાતે કાળિયા ઠાકોરની આરતી, દર્શન કરી ગુજરાતમાં કોંગ્રેસનાં ચૂંટણી પ્રચારનાં પ્રારંભ કર્યો હતો. ભાટિયામાં ઉમટેલા લોકોને સંબોધતા તેમણે કેન્દ્ર રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, યુવાનોને રોજગારી આપવામાં, ખેડૂતોને ખેત પેદાશોનાં પૂરતા ભાવ અપાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. નોટબંધીને દેશની અર્થ વ્યવસ્થા પરનું આક્રમણ ગણાવી કહ્યું કે, આનાથી નાના દુકાનદારો અને વેપારીઓને નુકસાન થયું છે. જીએસટી મુદ્દે પણ તેમણે જણાવ્યું હતું કે, ઉતાવળથી અને જુદા જુદા સ્લેબમાં લાગુ કરાયેલા જીએસટીથી લાખો વેપારીઓનો વેપાર ઠપ થઈ ગયો છે.
કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસ શરૃ થયો હતો. મીઠાપુર ખાતે આગમન થયા બાદ, દ્વારકા જગતમંદિરે દર્શન કર્યા પછી તેમણે વિધિવત રીતે ચૂંટણી પ્રવાસ શરૃ કર્યો હતો અને ભાટીયામાં તથા ખંભાળિયામાં ઉપસ્થિત ખેડૂતો, યુવાનો, વેપારીઓને સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા રોજગારીની છે. કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવા વાયદો કર્યો હતો, પરંતુ મળી માત્ર એક લાખ યુવાનોને રોજગારી! રોજ ૩૦ હજાર યુવાનો રોજગારી શોધવા નિકળે છે, પરંતુ મળે છે માત્ર ૪૦૦ને! આજે યુવાનો રોજગારી ઈચ્છે છે, કામ કરવા, દેશને તરક્કીની રાહ પર લઈ જવા માગે છે, પરંતુ સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે.
આવી જ કાંઈક સ્થિતી ખેડૂતોની છે. સૌરાષ્ટ્ર હોય કે પછી કોઈ પણ રાજ્યનો પ્રદેશ કે કોઈ ગામ. ખેડૂતોને મગફળી સહિતનાં ખેત ઉત્પાદનોનાં પૂરતા ભાવ નથી મળતા.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/rahul-gandhi-the-government-has-failed-to-provide-jobs-to-the-youth-adequate-prices-for-the-f