મ.ગુ.માં રાહુલ ગાંધીના રોડ-શોનો રોડ મેપ તૈયાર
સૌરાષ્ટ્ર બાદ હવે આદિવાસી અને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર પર રાહુલ ગાંધીનું બુલડોઝર ફરશે
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસના રોડ- શો બાદ હવે રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં રોડ શો કરવા માટે આગામી તારીખ ૯મીએ આવી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસના કરવામાં આવેલા રોડ -શો દરમિયાન વીસ જેટલી ઇવેન્ટથી ભાજપના મોવડીઓની ઉંઘ ઉડી ગઇ છે, તેવા સંજોગોમાં વડોદરા જિલ્લા, છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં રાહુલ ગાંધીના કાર્યક્રમની રૂપરેખાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આગામી તારીખ ૯મી ઓક્ટોબરના રોજ વડોદરા નજીક આવેલા ભાયલી ખાતેથી રોડ-શોની શરૂઆત થશે, ત્યાંથી સમીયાલા, કરાળી, વરણામા, પોર, કરજણ થઇને ડભોઇ તાલુકાના પારીખા, મંડાળા થઇને સીમલીયા ખાતે રાહુલ ગાંધી નર્મદાના વિસ્થાપીતોની સાથે બેઠક કરશે. ત્યાર પછી ડભોઇમાં તેના સ્વાગતનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવી રહ્યો છે. ત્યાર પછી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યાર પછી છોટાઉદેપુર સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે. ત્યાર બાદ બીજા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તરફનો કાર્યક્રમ ઘડાઇ રહ્યો છે.
આમ સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર પર કોંગ્રેસે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ અગાઉ છોટાઉદેપુર ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુલાકાત લઇ ચૂક્યા છે, ત્યાર પછી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડભોઇ ખાતે પણ જાહેરસભા કરી ચૂક્યા છે. જો કે, રાજકીય રીતે આ બંન્ને કાર્યક્રમોની ધારી અસર જોવા મળી નથી. તેવા સંજોગોમાં રાજકીય રોટલો શેકવા માટે હવે કોંગ્રેસે પણ વ્યૂહરચના ઘડી કાઢીને રાહુલ ગાંધીનો રોડ શો ગોઠવી દીધો છે.
Source: http://navgujaratsamay.indiatimes.com/gujarat/central-gujarat/road-map-for-rahul-gandhi-central-gujarat-visit/articleshow/60891398.cms