મ્યુનિ. બોર્ડમાં અવાજ રૂંધાયો : મેયર ચેમ્બરમાં કોંગ્રેસનાં ધરણાં
મ્યુનિ. સામાન્ય સભામાં નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરવા દેવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોની તક છીનવી લેવામાં આવતી હોવાના પ્રશ્ને આજે કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ મ્યુનિ. મધ્યસ્થ કચેરી ખાતે મેયરની ચેમ્બરમાં ધરણા કરીને દેખાવો કર્યા હતા. મેયર લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. શહેરની વિવિધ સમસ્યાઓ રજૂ કરવા દેવાને બદલે આપખુદી ચલાવી રહ્યા છે એવા સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિ. હોદેદ્દારોની કચેરી ગજવી મૂકી હતી.
ગત શુક્રવારે સાંજે મળેલી મ્યુનિ. બોર્ડની બેઠકમાં ઝીરો અવર્સ નહીં આપીને મેયર મીનાક્ષીબહેન પટેલે અધવચ્ચે જ બોર્ડની બેઠક આટોપી લીધી હતી. કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે આવેદન આપવા મેયર પાસે સમયની માગણી કરી હતી. આજે સાંજે સમય નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જવાનું છે એમ કહી મેયર જતા રહ્યા હતા. રોષે ભરાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો ધરણા પર બેસી ગયા અને દેખાવો શરૂ કર્યા હતા. મામલો બીચકે એ પહેલાં ડે. મેયર બિપીનભાઈ સિક્કા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણભાઈ પટેલે કોગ્રેસનું આવેદનપત્ર સ્વીકારીને મેયર તથા અન્યો ચર્ચા કરી બોર્ડની બેઠક બોલાવવા યોગ્ય કરવા ખાતરી આપી હતી.
http://www.sandesh.com/article.aspx?newsid=3118414