‘મ્યુનિ. કચેરી સહિત આખું શહેર કૂતરાના હવાલે’

મ્યુનિસિપલકોર્પોરેશનની મંગળવારે મળેલી સામાન્ય સભાની બેઠકમાં સ્ટોર્મ વોટર લાઈન, ડિશિલ્ટીંગ સહિત રખડતા કૂતરા અને મેટ્રો રેલના મુદ્દે વિપક્ષ તરફથી ઉગ્ર રજૂઆતો થઈ હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, મેયરની અણઆવડતને પગલે કોર્પોરેશનની ઓફિસ સંકુલ સહિત આખું શહેર જાણે કૂતરાઓના હવાલે થઈ ગયું છે. રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો ખર્ચવા છતાં અસરકારક પરિણામ મળ્યું નથી.

વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે બોર્ડના અધ્યક્ષ મેેયરને રજૂઆત કરી હતી કે, તાજેતરમાં નખાયેલી સ્ટોર્મ વોટર લાઈન અને ડિશિલ્ટીંગના જે કામો થયા તે બાબતે વિજિલન્સ ઈન્કવાયરી થવી જોઈએ.કેમ કે, ધીમી ધારે અવિરત વરસાદ પડ્યો હોવા છતાં જ્યાં જ્યાં સ્ટોર્મ વોટર લાઈનો નાખવામાં આવી છે ત્યાં ત્યાં પાણી ભરાઈ ગયા છે. જેને પગલે થયેલી કામગીરીની તપાસ થવી આવશ્યક છે. ઉપરાંત શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસનો મુદ્દો વિપક્ષી સીનિયર કાઉન્સિલર ઈકબાલ શેખે ઉઠાવ્યો હતો. તેમણે અંગેે રજૂઆત કરી હતી કે, કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે ત્યારે કૂતરાઓની વસ્તીમાં ઘટાડો થવો જોઈએ. પણ જોવા મળી રહ્યું છે કે, અગાઉના વર્ષમાં કૂતરાઓની વસ્તી જે 2.10 લાખ હતી તે વધીને 2.75 લાખને આંબી ગઈ છે. ત્યારે ખસીકરણ માટે જે જે સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી છે તે અધ્ધરતાલ ચાલી રહી હોવાની રજૂઆત કરી હતી. મેટ્રો રેલ પ્રોજેકટમાં જે જગ્યાઓ મ્યુનિ.એ ફાળવી તે પેટે કેટલી રકમ મેગા કંપનીએ આપી અને જે નાગરિકોની જમીનો કપાતમાં જાય છે તેમના પુન: વસન માટે શું આયોજન છે તે અંગે પણ વિપક્ષે ભાજપના શાસકો પાસેથી જવાબ માંગ્યા હતા. ત્યારે જાપાનીઝ કંપની દ્વારા થઈ રહેલી કામગીરી અંગે મ્યુનિ.કમિશનર ડી.થારાએ ચિતાર રજૂ કર્યો હતો.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-073529-2350639-NOR.html