મોદી સરકારના રફાલ કૌભાંડની પોલ ખોલવા ૨૫મીથી દેશવ્યાપી આંદોલન થશે:કોંગ્રેસ
વિધાનસભા-લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ મોદી સરકારને ઘેરશે
– શક્તિસિંહ, મોઢવાડીયા સહીતના છ નેતાઓની કોર ટીમ કેમ્પેઇન માટે તૈયાર કરાઇ
– તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ધરણા પ્રદર્શન કરીશું, બેંક કૌભાંડની જાણકારી પણ આપીશું:સુરજેવાલ
મોદી સરકાર દ્વારા રફાલ એરક્રાફ્ટ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. રફાલમાં શું ગેરરીતી થઇ છે તેની જાણકારી સમગ્ર દેશને આપવામાં આવશે અને આ માટે અમે ૨૫મી ઓગસ્ટથી રસ્તા પર ઉતરીશું તેવી જાહેરાત કોંગ્રેસે કરી હતી.
કોંગ્રેસે જણાવ્યું હતું કે રફાલ મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાનીમાં શનિવારે એક બેઠક યોજાઇ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માત્ર રફાલ જ નહીં નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવાના બેંક કૌભાંડો, મોંઘવારી, બેરોજગારી વગેરે મુદ્દે જન આંદોલન શરૂ કરવામાં આવશે.
આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ રસ્તા પર ઉતરવાનું આયોજન કરી રહી છે. આ આંદોલનને કોંગ્રેસે જન આંદોલન નામ આપ્યું છે. કોંગ્રેસે આ માટે એક કોર ટીમ બનાવી છે જેમાં કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ અને છ પ્રવક્તાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નેતાઓ અને પ્રવક્તાઓમાં એસ જયપાલ રેડ્ડી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, પવન ખેરા, પ્રિયંકા ચતુર્વેદી અને જયવીર શેર્ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છ નેતાઓની પસંદગી જન આંદોલન કેમ્પેઇનને ચલાવવા માટે કરવામાં આવી છે.
https://www.gujaratsamachar.com/news/national/modi-governments-rafal-scam-open-the-pole-25th-of-may-the-nationwide-agitation-will-take-place-congress