મોદી સત્તામાં આવ્યા ત્યારથી જ વિધાનસભાનું સત્ર ઓછા દિવસ મળે છે
– વિરોધ પક્ષના નેતાના પ્રહારો
– સુમિત્રા મહાજનને કોંગ્રેસના દંડકે રૃબરૃ મળી આઠ પાનાનો પત્ર સુપરત કર્યો
ગાંધીનગરમાં શરૃ થયેલી ઓલ ઈન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદઘાટન થાય તે પહેલા જ કોંગ્રેસ દંડકે લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજનને રૃબરૃ મળી આઠ પાનાનો પત્ર સુપરત કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલને વિધાનસભા સત્રોમાં ઘણા કડવા અનુભવો થયા હતા.
વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૦૨ પછી લોકશાહીના મંદિરમાં શરમજનક રીતે લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે જે વિધાનસભામાં ૧૦૦થી વધુ સભ્યોનું સંખ્યાબળ હોય ત્યાં ૧૦૦ દિવસ અને ૧૦૦થી ઓછી સભ્ય સંખ્યા હોય ત્યાં ઓછામાં ઓછા ૬૦ દિવસ વિધાનસભાની બેઠક મળવી જોઈએ. પરંતુ તત્કાલીન અધ્યક્ષ અને વર્તમાન અધ્યક્ષ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં આનો અમલ થતો નથી. ગુજરાતમાં ૧૯૬૦થી ભાજપ સરકાર આવી ત્યાં સુધી વર્ષમાં ૭૦-૮૦ દિવસ જેટલી બેઠકો મળતી હતી. લોકસભાનાં અધ્યક્ષે પણ આને સમર્થન આપતાં એવો ઉલ્લેખ કર્યો છે કે વિધાનસભાની બેઠકો ઓછામાં ઓછી ૬૦ દિવસ મળવી જ જોઈએ. પરંતુ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી લઘુતમ જોગવાઈ જેટલી જ બેઠકો મળી રહી છે.
લોકશાહીમાં શાસક અને વિરોધ પક્ષનું સ્થાન એક સરખુ હોય છે. એટલે સામાન્ય રીતે અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં અને લોકસભા તથા રાજ્યસભામાં પણ ઉપાધ્યક્ષનું પદ વિરોધ પક્ષનાં ફાળે જતું હોય છે પણ મોદીનાં ૧૧ વર્ષનાં શાસન દરમિયાન આ પદ ખાલી જ રહ્યું હતું. તેના માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીમાં ચક્રો ગતિમાન થતા શાસક પક્ષે પોતાના જ પક્ષને ઉપાધ્યક્ષનું પદ ફાળવી દીધું હતું.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-modi-came-to-power