મોદી ફક્ત બોલે છે, વચન પાળવાની તાકાત નથી: રાહુલ

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સતત બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના શાબ્દિક પ્રહારો ઉગ્ર બનાવ્યા છે. કાળા નાણાંના મામલે રાહુલે કહ્યું કે, મોદીજી ફક્ત બોલે છે પણ આપેલું વચન નિભાવી શકવાની તાકાત ધરાવતા નથી. ‘ના કુછ મિલા હૈ, ના કુછ મિલેગા,’એમ તેમણે મોદીનાં વચનો અંગે વ્યંગ્ય કરતાં કહ્યું હતું.

લોકસભાની ચૂંટણી વખતે મોદીજીએ વિદેશમાંથી કાળું નાણું લાવવાનું જાહેરમાં વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમાંથી તે દરેક નાગરિકના ખાતાંમાં રૂપિયા ૧૫ લાખ જમા કરાવશે. એમાંથી તમારી પાસે કોઈ પૈસા આવ્યા?, તેવો સવાલ ઉપસ્થિત મેદનીને તેમણે કર્યો હતો. ના કુછ મિલા હૈ, ના કુછ મિલેગા, એમ કહીને રાહુલે જણાવ્યું હતું કે, મોદી વચન આપે છે પણ નિભાવતા નથી. રાહુલ અમેઠીના પ્રવાસે આવ્યા છે અને તેમણે તાહિયાવન ગામમાં એક સભા સંબોધી હતી. રાહુલે કહ્યું કે, જ્યારે પોતે આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી અંગે કોઈ વાત કરે છે ત્યારે મોદીજી ચૂપ થઈ જાય છે. દરમિયાન એફટીઆઈઆઈના વિવાદ અંગે પણ તેમણે મોદી સરકારની ટીકા કરી હતી. એફટીઆઈઆઈના આંદોલનકારી વિદ્યાર્થીઓની ધરપકડ મામલે સરકાર પર નિશાન સાધતાં રાહુલે કહ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ગુનેગાર નથી કે જેમને પકડવા માટે રાત્રે કાર્યવાહી કરવાની જરૂર પડે. રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું હતું: ‘દેખાવો કરતા એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓની રાત્રે કાર્યવાહી કરીને ધરપકડ કરાઈ. મોદીજી આપણા વિદ્યાર્થીઓ અપરાધી નથી. ‘ચૂપ રહો… સસ્પેન્ડ કરો… ધરપકડ કરો – આ જ અચ્છે દિનનો મોદી મંત્ર છે.’

http://navgujaratsamay.indiatimes.com/national/-/articleshow/48547584.cms