મોદીએ લોકસભાની ચૂંટણી અગાઉ કરેલા વાયદા મુજબ ખેડૂતોને કપાસના ૧૫૦૦ આપો: ભરતસિંહ સોલંકી
ગુજરાતમાં કપાસ પકવતાં ખેડૂતોને પોષક્ષમ ભાવ ન મળતાં તેઓની હાલ કથળી રહી છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે કપાસના ભાવો યોગ્ય સમયે મળે તે માટે વારંવાર રજૂઆત કરી છે. આમ છતાં કપાસ ઉત્પાદન કરતાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળે તે માટે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ઉલ્ટાનું ટેકાના ભાવ જે સરકાર દ્વારા જાહેર કરાયા તે બજાર ભાવ કરતાં પણ ઓછા હતા.
જે ખેડૂતોની મશ્કરી સમાન હતાં. વડાપ્રધાનને ચૂંટણી સમયે તેમણે આપેલા વચનોની યાદ અપાવીને રાજ્યના ખેડૂતોને રૂ. ૧પ૦૦નો ભાવ આપવા રજૂઆત કરી છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો ઘણી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ખાસ કરીને કપાસ ઉત્પાદન કરતાં ખેડૂતોને યોગ્ય ભાવનો નિર્ણય નહીં થાય તો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને લોકસભા ચૂંટણી સમયે જાહેર સભામાં ખેતપેદાશોના ભાવ માટે વારંવાર ઉલ્લેખ કર્યો હતો. જેમાં કપાસના ભાવ ૧૫૦૦ જેટલા મળવા જોઈએ.
આ બાબતે સત્તા મેળવ્યા બાદ ખેડૂતોને રૂ. ૧૫૦૦ ભાવ મળે તે માટે કાર્યવાહી કરવા યાદ કરાવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતર, બિયારણ, જંતનાશક દવાઓ જેવી બાબતોના મોંઘા ભાવ સહિત સિંચાઈનું પાણી, મોંઘી વીજળી ખેડૂતો માટે કઠીન બાબત બની ગઈ છે. ગુજરાતમાં કપાસના ભાવો છેલ્લાં ઘણા સમયથી ૭૦૦ થી ૮૦૦ રૂપિયા જેટલાં જ ખેડૂતોને મળી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષ નેતૃત્વની યુપીએ શાસનમાં કપાસના ટેકાના ભાવ ૧૧૦૦ થી ૧૨૦૦ રૂપિયા જેટલા હતા.
http://www.vishvagujarat.com/gujarat-congress-write-letter-to-pm-modi-on-cotton-afforadable-price/