મોટી જાહેરાતોથી દેશની આર્થિક સ્થિતિ સુધરવાની નથી : એહમદ પટેલ

– બેંકોના સભ્યો નાના વર્ગને લોન આપી રોજગારીના ઉપાર્જનના પ્રયાસો કરે

– બોમ્બે મર્કન્ટાઇલ બેન્ક આયોજીત સમારોહમાં એહમદ પટેલની શીખ

અમદાવાદમાં બોમ્બે મર્કન્ટાઇલ બેન્કના ચૂંટાયેલા સભ્યોના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથે લેતા જણાવ્યું કે, આજે દેશની આર્થિક સ્થિતી ડગુમગુ બની છે. સેન્સેક્સ નીચે જઇ રહ્યો છે. હજુયે નીચો જવાની સંભાવના છે. દેશમાં ફુગાવો વધી રહ્યો છે. મોટાભવનોમાં ઓબામા સહિતના મહાનુભાવો સાથે ડિનર પાર્ટી કરવાથી કે, મોટી મોટી જાહેરાતો કરવાથી દેશની આર્થિક સ્થિતી સુધરવાની નથી.
રિફોર્મ કલબમાં નાણાં મંત્રી અરૃણ જેટલી પર આકરા પ્રહારો કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે,દેશની ઇકોમોનીની દયનીય દશા છે ત્યારે નાણામંત્રી ફુલગુલાબી ચિત્ર દેખાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે બેંકોના ચૂંટાયેલા સભ્યોને એવી શીખ આપી કે, તેઓ બેંકર ન બને બલ્કે નાના,મધ્યમ વર્ગના લોકોને લોન આપીને રોજગારીના સર્જન માટેનું માધ્યમ બને.સાંસદ અહેમદ પટેલે કેન્દ્રની મોદી સરકારને લોકશાહી વિપરીત સરકાર ગણાવી જણાવ્યું કે, આજે લોકતાંત્રિક પ્રક્રિયાનો છેદ જ ઉડી ગયો છે. પેટ્રોલ ડિઝલના આંતરરાષ્ટીય ભાવ ગગડયાં છે છતાંયે સામાન્ય માનવીને તેનો લાભ મળી શક્યો નથી.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-ahmd-patel-in-gujarat