મોંઘવારી મુદ્દે સરકારને ઢંઢોળવા રાજકોટ-અમદાવાદ સાયકલયાત્રા

ભાજપના કારણે પેટ્રોલ,શિક્ષણ,તેલ વગેરેમાં ભાવવધારો

ધારાસભ્યની આગેવાનીમાં સાયકલીસ્ટો તા.૨૫મીએ નીકળીને તા.૨૯મીએ અમદાવાદ પહોંચશે,લોધાવાડ ચોક ખાતે નોંધણી

મંદી અને મોંઘવારીથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે રાજ્યની નિદ્રાધીન ભાજપ સરકારને ઢંઢોળવા કોંગ્રેસના આવતીકાલે શાકમાર્કેટે દેખાવો સહિતના કાર્યક્રમો ઉપરાંત રાજકોટ કોંગ્રેસ દ્વારા અમદાવાદ સુધીની જનાક્રોશ સાયકલયાત્રાનું આયોજન કરાયું છે.

શનિવાર તા.૨૫ના સવારે ૯ વાગ્યે આશરે ૧૦૦ સાયકલસવારો મોંઘવારી સામે અવાજ ઉઠાવતા નીકળશે અને રોજ સરેરાશ ૫૦ કિ.મી.નું અંતર કાપીને જે તે સ્થળે રાતવાસો કરીને તા.૨૯ના સવારે અમદાવાદ પહોંચશે અને અમદાવાદમાં યોજાનાર મેગા આંદોલનમાં પણ જોડાશે તેમ રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોંઘવારી એક એક નાગરિકને હાલ પીડા આપતો પ્રશ્ન છે અને આ યાત્રામાં કાર્યકરો ઉપરાંત નાગરિકો પણ જોડાશે જેઓને લોધાવાડ ચોક ખાતે કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવાયું છે.

ક્રૂડ સસ્તુ હોવા છતાં પેટ્રોલ-ડીઝલ મોંઘા જ રહે તેવું કેન્દ્ર સરકારે આયોજન કરીને તેમાં ટેક્સ વધારતા મોંઘવારીને ગતિશીલતા મળી છે, શિક્ષણના સત્રો શરુ થયા છે ત્યારે ભાજપની નીતિ-રીતિથી સ્કૂલ ફી વગેરેમાં તોતિંગ વધારો થયો છે આવા મુદ્દે લોકોને પડતી હાલાકી મુદ્દે આ સાયકલ રેલી યોજાશે તેમ કોંગી નેતાઓએ ઉમેર્યું હતું.

 

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/saurashtra-rajkot-congress-government-bicycle-tour