મુખ્યમંત્રી ભ્રષ્ટાચારીઓને દાંતરડાથી વાઢે : મોઢવાડિયા

રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પોતાના રાજકીય વિરોધીઓને સંબોધીને મને દાંતરડું ચલાવતા આવે છે અને વિરોધીઓને વાઢતા આવડે છે એવા નિવેદન કર્યા છે. જેની સામે કોંગ્રેસ પક્ષમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીના નિવેદનની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે,’મુખ્યમંત્રી લોકશાહીમાં તંદુરસ્ત હરીફાઇને બદલે માનસિક સમતુલા ગુમાવી ધમકીઓ આપી રહ્યા છે. જો તેમને દાંતરડાથી વાઢવું જ હોય તો ભૂમાફિયા, ખનીજચોરો અને ભ્રષ્ટાચારીઓને વાઢે, રાજકીય વિરોધીઓને નહીં.’

અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે,’આનંદીબહેન જો ખરેખર ખેડૂત પુત્રી હોય અને દાંતરડું ચલાવતા આવડતું હોય તો લોકશાહીના મજબૂત સ્તંભ સમાન વિરોધપક્ષ અને ભાજપમાં રહેલા તમારા વ્યક્તિગત વિરોધીઓને વાઢી નાંખવાની ઇચ્છા બાજુ પર મૂકીને રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચારના મૂળીયાને વાઢી નાંખે. વાઢવા જ હોય તો ગુજરાતમાં ફુલીને ફડાકે થઇ ગયેલા ખૂની માફિયા ટોળીઓને વાઢે, સામાન્ય પ્રજા અને ખેડૂતોની જમીનો હડપતા ભૂમાફિયાઓનું હનન કરે.’ તેમણે એવી ચીમકી પણ આપી હતી કે,’કોંગ્રેસ અને ભાજપમાં રહેલા આંતરિક વિરોધીઓને ડરાવવા નીકળેલા મુખ્યમંત્રી ઘર ભૂલ્યા લાગે છે. કારણ કે બધા જ દરમાં ઉંદર નહીં પણ ક્યાંક સાપ પણ નીકળી શકે છે. હરેન પંડ્યા કે ગોધરાકાંડવાળી કરવાના સ્વપ્ન આવતા હોય તો તેમણે ભૂલી જવું જોઇએ.’

http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/48164861.cms