મહેસાણા પાલિકાની સાધારણ સભામાં રોડની ગેરરીતિમાં કોંગ્રેસનો વિરોધ
વિરોધ પક્ષના દબાણ બાદ પ્રમુખે કોન્ટ્રાકટરના બીલ અટકાવવા જણાવ્યું
મહેસાણા નગરપાલિકા હોલમાં પાલિકાની સાધારણ સભા મંગળવાર સાંજે મળી હતી. પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં શહેરના વિકાસના વિવિધ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. જ્યારે શહેરના હિરાનગર રોડમાં ખરાબ કામ મામલે વિરોધ પક્ષના ભારે દબાણ બાદ પ્રમુખે કોન્ટ્રાકટરના બીલ રોકવા હૈયા ધારણા આપી હતી. આ બેઠકમાં પાલિકાની ૨૧ જેટલી સમિતિઓના ચેરમેન તેમજ સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી હતી.
મહેસાણા પાલિકા હોલમાં પાલિકા પ્રમુખ રોહિત પટેલની અધ્યક્ષતામાં સાધારણ સભા મળી હતી. આ સભામાં વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ડાભી સહિત કોંગ્રેસના નગરસેવકોએ સોમનાથ ચોકથી હિરાનગર સુધીના સી.સી.રોડમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષના ભારે વિરોધ બાદ પ્રમુખે આ રોડના કોન્ટ્રાકટરના બીલ અટકાવવાની હૈયા ધારણા આપી હતી. સાધારણ સભામાં પાલિકાની ઓ.એસ.શાખા, જમીન ભાડા, ટી.પી.સ્ટ્રીટલાઈટ, યુ.સી.ડી., સેનેટરી શાખા ગુમાસ્તા ધારા સહિત વિવિધ શાખાની ૮૨થી વધુ દરખાસ્તોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
વિરોધ પક્ષ દ્વારા સ્ટ્રીટલાઈટ શાખાની રામોસણા ઓવરબ્રિજથી કેન્સવીલાથી એ.એમ. ડબલ્યુ ફતેપુરા પાટીયા સુધી સ્ટ્રીટલાઈટનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષે મીટીંગમાં જણાવેલકે લેટરમાં રામોસણા ઓવરબ્રિજથી કેન્સવીલાથી એ.એમ. ડબલ્યુ સુધી જ સ્ટ્રીટલાઈટ નાંખવા જણાવાયું છે. આ સભામાં પાલિકાની ૨૧ જેટલી સમિતિઓના ચેરમેન તથા સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી હતી.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat-mehsana-road-irregularities-municipal-general-meeting