મહેંગે દિનઃ પુતળા સળગાવી મોંઘવારી સામે આક્રોશ

પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ સામે કોંગ્રેસે આપ્યા કાર્યક્રમો

રાજકોટ, ગોંડલ,પડધરી, તલાલા,મોરબી, જામનગર, પોરબંદર, જસદણ,ઉના સહિત અનેક સ્થળે પુતળાદહન, રેલી, સૂત્રોચ્ચારો

વાત તો અચ્છે દિનની થઈ હતી અને કરોડો આમનાગરિકોની દ્રષ્ટિએ વાજબી ભાવે જીવનજરૃરી ચીજવસ્તુ મળે અને સારા વહીવટથી ટેક્સનું ભારણ ઘટે તે અચ્છે દિન છે. પરંતુ, હાલ એકબાજુ દાળ-શાક,સિંગતેલ, પેટ્રોલ-ડીઝલ સહિત બધ્ધુ મોંઘુ અને બીજી બાજુ સેસ,ટોલટેક્સ જેવા ટેક્સના ભારણથી પ્રજા પીસાઈ રહી છે તેમ કહીને સતત પાંચ દિવસથી સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ દ્વારા ચાલતા આંદોલન અન્વયે આજે ક્રૂડ અગાઉના વર્ષ કરતા સસ્તુ છતાં પેટ્રોલ-ડીઝલના વસુલાતા ઉંચા ભાવ સામે પુતળાદહન, રેલી, સૂત્રોચ્ચારો, આવેદનપત્ર દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો.

રાજકોટમાં ધમધમતા યાજ્ઞિાકરોડ પર યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી રાક્ષસની નનામી કાઢીને વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે લઈ જઈ તેનું દહન કરવામાં આવ્યું હતું અને પેટ્રોલ-ડીઝલ સહિતની મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોટ લોકસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવવાની વાત કરીને સત્તા પર આવેલ ભાજપ સરકારમાં ઉલ્ટુ ૧૦૦થી ૩૦૦ ટકા ભાવવધારો થઈ ગયો છે. દૂધ, દાળ, અનાજ, કઠોળ, કેરોસીન,પેટ્રોલ,ડીઝલ સહિત ઈંધણ, શિક્ષણ, વિજળી, બિયારણ, ખાતર, બટેટા-ટમેટાં,મરચાં સહિત શાકભાજી, સિંગતેલ વગેરે ખરીદ્યા વગર કોઈને ચાલવાનું નથી તે રાજ્ય-કેન્દ્ર સરકારના પાપે મોંઘુદાટ થઈ ગયું છે.

જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવા બળદગાડાંમાં કોંગ્રેસે રેલી યોજી હતી જેમાં કોંગ્રેસના નગરસેવકો, આગેવાનો જોડાયા હતા. શરુ સેક્સન રોડ પર પેટ્રોલપંપ પાસે પત્રિકા વહેંચાઈ હતી.
ગોંડલમાં મોંઘવારી સામે રેલી યોજીને રાજમાર્ગો પર સૂત્રોચ્ચારો કરતા નીકળીને પૂર્વ તા.પં.પ્રમુખ ભગવતસિંહ વગેરેની આગેવાનીમાં મામલતદાર કચેરીએ જઈ આવેદન આપી પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવથી લોકોનું જીવન પર ઘેરી અસર થયાનો રોષ વ્યક્ત કરાયો હતો.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/price-rajkot-gujarat-congress