મહિલા કોંગ્રેસના આગેવાનીમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ
ગાંધી-સરદારના ગુજરાતમાં ભાજપ સરકારના આશીર્વાદથી દારૂની રેલમછેલ છે અને દારૂના વ્યસનથી ગુજરાતમાં ગુન્હાખોરીનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે. મહિલાઓ પર થતા અત્યાચારોમાં ૩૭ ટકા કરતા વધુનો વધારો નોંધાયો છે. ત્યારે ભાજપ સરકારની દારૂબંધી અંગે નીતિ અને નિયતમાં મોટા પાયે ખોટ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં બેરોકટોક હપ્તાખોરીના નેટવર્ક દ્વારા ચાલતાં દારૂ-જુગારના અડ્ડાઓ સામે મહિલા કોંગ્રેસ દ્વારા સ્થાનિક નાગરિકોને સાથે રાખીને ૯મી ઓગસ્ટે “જનતા રેડ”, “હલ્લા બોલ” કાર્યક્રમને લીધે રાજયના પોલીસ વડાએ પણ તાકીદ કરીને બે દિવસ પૂરતા દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. પણ ફરીથી સમગ્ર ગુજરાતમાં દારૂ-જુગારના અડ્ડાઓ અગાઉની જેમ જ ફરી ધમધમતા થયા છે અને રોજ કરોડો રૂપિયાનો દારૂ ભાજપ સરકાર-પોલીસ તંત્ર-બુટલેગરોની સાંઠગાંઠથી ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મંદાકિની પટેલ, પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી રાજશ્રીબેન કેસરીની આગેવાનીમાં ચાંદખેડાના વાળીનાથ ચોકની આસપાસના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં, દેશી દારૂના ભઠ્ઠાની થેલીઓ અને અન્ય મુદ્દામાલ જપ્ત થયો હતો. પોલીસતંત્ર અને ભાજપ સરકારની હપ્તાનીતીનો જનતા રેડમાં પર્દાફાશ થયો હતો.