મગફળી કૌભાંડમાં નવો ફણગો ફુટયો, મળતિયાઓ પાસેથી બારદાન ખરીદી રૂ.60 કરોડ વધુ ચૂકવાયાં

– બજારમાં રૃા.40માં મળતાં બારદાનની રૃા.71માં ખરીદી – મગફળીકાંડના આરોપી મગન ઝાલાવાડિયાની માત્ર અનુભવના આધારે નિમણૂંક કરવા ગાંધીનગરથી કોણે સૂચના આપી – સરકારના માનિતાની કોલકત્તાની કંપની પાસેથી 1.94 કરોડ બારદાન ખરીદાયાં,બારદાન ખરીદીની તપાસ કરવા કોંગ્રેસની માંગ અમદાવાદ, તા. 09 ઓગસ્ટ 2018, ગુરુવાર રૂ.૪ હજાર કરોડના મગફળી કૌભાંડમાં નવો ફણગો ફુટયો છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો છેકે, બજારમાં સારી ગુણવત્તા ધરાવતુ બારદાન રૃા.૪૦માં મળે છે તેમ છતાંય સરકારે રૃા.૭૧માં બારદાનની ખરીદી કરી હતી. એટલુ જ નહીં,સરકારના સાથે રાજકીય ઘરોબો ધરાવતી કોલકત્તાની કંપની પાસેથી ૧.૯૪ કરોડ ખાલી બારદાન ખરીદી વધારાના રૃા.૬૦ કરોડ ચૂકવાયા છે. મગફળી કૌભાંડમાં બારદાન ખરીદીમાં ગેરરીતી થઇ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છેકે, રૃા.૧૩૮ કરોડના ખર્ચે ૧.૯૪ કરોડ બારદાન ખરીદવામાં આવ્યા હતાં. મળતિયાઓને ફાયદો પહોંચાડવા પ્રતિ બારદાન પાછળ રૃા.૩૧ વધુ ચૂકવાયાં છે. કુલ મળીને રૃા.૬૦ કરોડ વધારાના ચૂકવી દેવાયા છ તેના પાછળના જવાબદાર લોકો સામે કેમ પગલાં ભરાયાં નથી. સરકારે વેપારીઓને ડરાવી ધમકાવી મગફળી પાણીના ભાવે ખરીદવા મજબૂર કર્યાં છે. સરકાર અને ભાજપના નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના આગેવાનો છાવરી રહી છે. કોંગ્રેસે એ મુદ્દો પણ ઉઠાવ્યો છેકે,મગફળી કૌભાંડના મુખ્ય આરોપી મગન ઝાલાવાડિયાને ગુજકોટના એમડીએ રુબરુ ચર્ચા કરી માત્ર અનુભવના આધારે કેવી રીતે નિમણૂંક આપી. આ ઉપરાંત આ નિમણૂંક માટે ગાંધીનગરથી કોણે સૂચના આપી. બજાર ભાવ કરતાં ઉંચા ભાવે બારદાન ખરીદી રૃા.૬૦ કરોડ વધુ ચૂકવનારાં માટે જવાબદાર કોણ. સરકારની તિજોરીને રૃા.૧૮૦૦ કરોડનો ચૂનો લાગ્યો તે માટે જવાબદારી કોની.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/groundnut-scam-gets-new-bribe-more-than-60-crore-more