મગફળી કાંડના આરોપીઓ જેલમાં નહી જાય ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન યથાવત રહેશે

 ભાભરમાં ખેડૂત સભામાં સરકાર સામે આકરા પ્રહારો

– સુઈગામની ખારાશવાળી જમીનમાં મગફળીનું વાવેતર થતુ નથી તો 400 કરોડની મગફળી ખરીદી કેવી રીતે થઈ: પરેશ ધાનાણી

મગફળી કાંડમાં રૃ.૪ હજાર કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપો કરીને રાજયભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યુ છે. આ સંદર્ભે રવિવારે બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી મગફળી કાંડમાં જયાં સુધી કૌભાંડીઓ જેલ ભેગા નહી થાય ત્યા સુધી આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી.

ભાભરમાં જિલ્લા કોંગ્રેસ સમીતિના નેજા હેઠળ મગફળી કાંડના વિરોધમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તારના ખેડૂતો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ સામે ભ્રષ્ટ્રાચારના આક્ષેપો કરનારા જ મગફળી કાંડના રૃ.૪ હજાર કરોડના કૌભાંડમાં સંડોવાયા છે. મગફળી કેન્દ્રોના સંચાલકો ભાજપ સાથે સંકળાયેલા છે તેવા આક્ષેપો કરી ચાવડાએ ઉમેર્યુ હતુ કે અત્યારે મગફળી કૌભાંડમાં નાની માછલીઓ પકડાઈ છે. પરંતુ હજુ સુધી મગરમચ્છ મહેલમાં મહાલી રહ્યા છે.

જવાબદારોને છાવરનાર મુખ્યમંત્રીને રાજીનામુ આપવુ જોઈએ. વધુમાં તેમણે આ મુદ્દે વિધાનસભા ઘેરવાની પણ ચીમકી આપી હતી. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ હતુ કે, મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયુ તે તપાસ થાય તો મોટા નામો ખુલે તેમ છે. સુઈગામની ખારાશવાળી જમીન હોવાથી અહી મગફળીનુ ઉત્પાદન થતુ નથી તો પછી રૃ.૪૦૦ કરોડની મગફળી કેવી રીતે ખરીદી શકાય તેવો પ્રશ્ન ઉભો કર્યો હતો.  આ ધરણા કાર્યક્રમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતે  પ્રાસંગીક પ્રવચનો કરીને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

https://www.gujaratsamachar.com/news/uttar-gujarat/the-congresss-agitation-will-continue-till-the-accused-of-the-groundnut-case-are-not-in-jail