મગફળીકાંડમાં ન્યાયિક તપાસની માગ, કોંગ્રેસના 13મીએ રાજ્યવ્યાપી ધરણાં
ગુજરાતના બહુચર્ચિત રૂ. ૪ હજાર કરોડના મગફળી કૌભાંડની ન્યાયિક તપાસની માગણીને બુલંદ બનાવવા કોંગ્રેસ દ્વારા ૧૩મી ઓગસ્ટે રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં વિરોધ પ્રદર્શન-ધરણાં કરવાનું એલાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી શનિવારે કચ્છના ગાંધીધામમાં પ્રતિક ઉપવાસ કરશે જ્યારે ૧૩મીથી અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અચોક્કસ મુદતનું ઉપવાસ આંદોલન આદરે તેવી શક્યતા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ શુક્રવારે પોરબંદર ખાતે મગફળીના ગોડાઉન પર જનતા રેડ કરી હતી, જેમાં મગફળી સાથે ધૂળ-ઢેફાં, ખાલી બારદાર વગેરે મળી આવ્યા હતા..
રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના નામે આચરવામાં આવેલાં કરોડોનાં કૌભાંડને કોંગ્રેસે રાજકીય મુદ્દો બનાવવીને ભાજપ સરકારને ભીડવવા કમર કસી છે. એકતરફ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઈકોર્ટના સિટીંગ જજની આગેવાનીમાં તટસ્થ તપાસની માગણી સાથે પ્રતિક ઉપવાસ સાથે આંદોલન છેડ્યું છે અને તેના ભાગરૂપે રાજ્યમાં મગફળીના સૌ પ્રથમ આગ લાગી હતી તેવા કચ્છના ગાંધીધામના ગોડાઉન બહાર પ્રતિક ઉપવાસ કરશે. વિપક્ષી નેતા રવિવારે જામનગર-હાપાના ગોડાઉન ખાતે પ્રતિક ધરણાં કરીને ૧૩મી ઓગસ્ટથી અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ધામા નાખે તેવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખ ચાવડાએ આ આંદોલનને વેગ આપવા આગામી ૧૩મી ઓગસ્ટે રાજ્યવ્યાપી પ્રતિક ધરણાં-આંદોલનનું એલાન કર્યું છે. મગફળીની ખરીદીમાં આચરવામાં આવેલાં કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના જે પણ કોઈ કાર્યકર કે વગદારો હોય તેમને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ખુલ્લી માગ કોંગ્રેસે કરી છે.
https://www.navgujaratsamay.com/groundnut-scandal-congress-to-held-statewide-protest-on-13th-august/86368.html