ભોગ બનેલ દલિત પરીવારની મુલાકાત લેતા રાહુલ ગાંધી

ઉના તાલુકાના સમઢીયાળામાં દલિતો ઉપર અત્યાચાર થતા તેના ઘેરા પડઘા પડયા છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પીડીત પરિવારની મુલાકાતે આવ્યા,  શ્રી રાહુલ ગાંધી જયારે મોટા સમઢીયાળામાં પ્રવેશ્યા ત્યારે ગ્રામજનો અને દલીતોએ જય ભીમ, ડો. આંબેડકર અમર રહો, રાજીવ ગાંધી અમર રહો, દલીત એકતા ઝીંદાબાદ જેવા નારાઓ લગાવી તેમને આવકાર્યા હતા. શ્રી રાહુલ ગાંધી સીધા જ પીડીત વ્યકિતના ઘરે પહોંચ્યા હતા. જયાં ખાટલા ઉપર બેસી પીડીત વૃધ્ધ સાથે સતત પોણી કલાક સુધી લાગણીસભર રીતે પરિવારજન હોય તે પ્રકારે આ પીડીતોની વ્યથા સાંભળી હતી. રાહુલ ગાંધીએ દલિત પરિવારના સભ્યો અને પરિવારજનોને મળીને વિગતો મેળવીને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

મોટા સમઢીયાળામાં અત્યાચારથી પીડીત વૃધ્ધના પરીવારજનોએ સરકાર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓના પરીવારજનોને સરાજાહેર ૪પ જેટલા લોકોએ ઢોર માર માર્યો હતો. આમ છતા આ પ્રકરણમાં માત્ર ૧૬ વ્યકિતની પગલા લેવાનો સાત સાત દિવસ વીતી ગયા પછી દેખાવ પુરતા પગલાં ભરવામાં આવ્યા છે. જે દલીતો સાથે ભારોભાર અન્યાય થયો છે. આજે આ ઘટનાથી દલીતોની રોજગારી  છીનવાઇ ગઇ છે અને તેઓનો જીવન નિર્વાહ કેવી રીતે કરવો? અને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

અત્યાચારથી પીડીત પરીવારની આ વેદના સાંભળી શ્રી રાહુલ ગાંધીએ અત્યાચારથી પીડીત વૃધ્ધના શરીર ઉપર થયેલ અત્યાચારના ઘા નિહાળ્યા હતા અને પરિવારજનોને એવી ખાત્રી આપી હતી કે આ ઘટનામાં પીડીતોને પુરેપુરો ન્યાય મળે તે માટે તેઓ તમામ પ્રયાસો કરશે અને એક-એક આરોપીને સજા થાય તેમજ તમામ આરોપી જેલભેગા થાય તે માટે કોંગ્રેસ પક્ષ સફળ પ્રયાસો કરશે અને દલીતોને ન્યાય અપાવવાની લડત લડશે.