ભારતમાં પણ આઈએસ જેવા સંગઠન ઉભા થશેઃ રાહુલની ચેતવણી

જો દેશના વિકાસની પ્રક્રિયામાંથી દેશના લોકોના એક મોટા હિસ્સાને બહાર રાખવામાં આવશે તો વિદ્રોહી અને આતંકવાદી સંગઠનો ભારતમાં પેદા થઈ શકે  છે તેવી ચેતવણી રાહુલ ગાંધીએ જર્મનની હેમ્બર્ગમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉચ્ચારી હતી.

તેમણે આ સંગઠનોની સરખામણી ઈસ્લામિક સ્ટેટ સાથે કરી હતી. આ માટે ઉદાહરણ આપતા તેમણે કહ્યુ હતુ કે 2003માં ઈરાક પરના હુમલા બાદ અમેરિકા ઈરાકમાં એક કાયદો લાવ્યુ હતુ અને તેના ભાગરુપે એક ચોક્કસ જાતિ સાથે સંકળાયેલા લોકોને સરકાર અને સેનામાં નોકરી આપવા પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. જેના કારણે કેટલાય લોકોએ વિદ્રોહ કર્યો હતો. એ પછી તેમાંથી આઈએસ જેવુ ગ્રુપ બન્યુ હતુ.

તેમણે મોદી સરકાર પર આરોપ મુક્યો હતો કે વિકાસની દોડમાંથી દલિતો અને અલ્પસંખ્યકોને બહાર મુકી દેવાયા છે. જે એક ખતરનાક બાબત સાબિત થઈ શકે છે. જો તમે લોકોને કોઈ વિઝન નહી આપો તો તેમને બીજુ કોઈ વિઝન આપશે, ભારતમાં દલિતો, લઘુમતીઓ અને આદિવાસીઓને કોઈ ફાયદો મળી રહ્યો નથી. તેમને ફાયદો થાય તેવી યોજનાઓના પૈસા ગણ્યા ગાંઠ્યા કોર્પોરેટ ગૃહ પાસે જઈ રહ્યા છે. આજે ભારતમાં બહુ મોટા પ્રમાણમાં નાના વ્યવસાયો બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને ગામડાઓમાં પાછા ફરવુ પડી રહ્યુ છે. જેનાથી લોકો નારાજ છે. મોબ લિન્ચીંગની ઘટનાઓ બેરોજગારીનુ પરિણામ છે.

https://www.gujaratsamachar.com/news/national/citing-islamic-state-rahul-gandhi-warns-against-excluding-minorities-from-growth