ભાજપે તોડેલા પંચાયતી રાજના માળખાને કોંગ્રેસ પુન: વેગવંતુ કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૪ જિલ્લા પંચાયતો અને ૧૩૪ તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકોની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને જિલ્લામાં જીત બાદ સ્થાનિક નાગરિકો માટે સક્રિયતાથી કામ કરવા અને શહેરોમાં હાર બાદ વધુ મક્કમતાથી આગળ વધી રાજ્યના મધ્યમવર્ગ સુધી પહોંચવાની હાકલ કરવામાં આવી હતી.
ભરતસિંહે કહ્યું હતું કે,‘મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કોંગ્રેસ અપેક્ષા પ્રમાણેનું પરિણામ લાવી શકી નથી. ત્યારે કોંગ્રેસ શહેરી વિસ્તારોના નાગરિકોના પ્રશ્નો માટે લડત આપવા કટિબદ્ધ છે. જ્યારે કે ભાજપે તોડી કાઢેલા પંચાયતી રાજના માળખાને કોંગ્રેસ પુન: વેગવંતુ બનાવશે.’
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી બેઠકમાં માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે,‘જનસમર્થન અને જનઆશીર્વાદથી ૨૪ જિલ્લા અને ૧૩૪ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે. કોંગ્રેસ સ્વ. રાજીવ ગાંધીએ દેશમાં સ્થાપેલા પંચાયતી રાજનામ માર્ગે ચાલીને ગુજરાતના ગામડાઓનું ‘નવસર્જન’ કરશે. ભાજપના શાસકોએ જિલ્લા-તાલુકા પંચાયતના માળખાને તોડી નાંખ્યો છે. આ સરકાર હંમેશાં સરમુખત્યારશાહીમાં માનતી રહી છે અને તેણે સત્તાનું કેન્દ્રીકરણ કર્યું છે. ભાજપના અભિગમથી પંચાયતી રાજને નુકસાન થયું છે. ’
http://epaper.navgujaratsamay.com/details/12125-26810-2.html