ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવાસ સ્થાને દેખાવો

રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અવ્યવસ્થા દૂર કરે, બેન્કો વધારાના કેશ કાઉન્ટરો ખોલે, તે સમયની માંગ છે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભાજપ સરકારના નિર્ણયથી ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો લોકો કલાકો સુધી પરસેવાની અને હક્કની કમાણીના નાણાં મેળવવા-બદલાવવા  લાઈનમાં ઉભા છે છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અહંકાર અને સત્તાના મદમાં રાચી રહ્યાં છે, ત્યારે કૂંભકર્ણની નિદ્રામાં સૂઈ ગયેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિત શાહને જગાડવા તેમના નિવાસ સ્થાન નારણપુરા, અમદાવાદ ખાતે પ્રજાહિતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ચેતન રાવલના નેતૃત્વમાં ઘેરાવો-દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો. આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરતાં અને આક્રમક દેખાવો કરતાં ૩૦૦ થી વધુ કાર્યકરો-આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પૂતળાને ફાંસી આપવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ પણ કર્યો હતો.