ભાજપના ભ્રષ્ટાચારી શાસનની ગુણગાથામાં કોંગ્રેસ નહીં જોડાય

ભાજપ સરકાર દ્વારા પંચાયતોના આજદિન સુધીના ચૂંટાયેલા સભ્યોના સન્માન સમારંભમાં ભાગ ન લેવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે. પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું છે કે ભાજપ શાસિત જિલ્લા- તાલુકા પંચાયતો અને નગરપાલિકા- મહાનગરપાલિકા ટેક્સ પેપર્સ નાગરિકોને પાયાની સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ છે. મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. સેવા સદનો ભાજપના મળતિયાઓ માટે મેવા સદનનો બની ગયા છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં રાજ્ય સરકાર નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગઈ છે. અનેક ગામોમાં ઘાસચારાની તકલીફ છે. ખેડૂતો, વેપારીઓ બેહાલ છે. શિક્ષણ અને આરોગ્ય સેવા સામાન્ય પ્રજા માટે દુર્લભ કરી દેવામાં આવી છે. સરકારી તિજોરીનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તાયફાઓ યોજવા માટે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં અતિવૃષ્ટિ અને પૂરમાં તારાજ થયેલા વિસ્તારોમાં ભોગ બનેલા પરિવારો માટે વિલંબ બાદ રાહત પેકેજ જાહેર કરાયું તે પણ મશ્કરી સમાન છે. આવી સ્થિતિમાં નાગરિકોને જરૂરી રાહત આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ભાજપ સરકારના તાયફામાં કે જ્યાં ભાજપના ભ્રષ્ટાચારી શાસનના ગુણગાથા થવાની છે તેમાં કોંગ્રેસના પ્રતિનિધિઓ નૈતિકતાના ધોરણે ભાગીદાર બની શકે નહીં.

http://www.sandesh.com/article.aspx?newsid=3101353