અમદાવાદ ખાતે આયોજિત તેજસ્વી વિદ્યાથી સન્માન સમારોહ

તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે, અજ્ઞાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી બીમારીનો ઈલાજ છે. ઈંટ-માટી-ચુના-પથ્થરથી નહિ પણ સામાજીક એકતા-કોમી એકતાથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ત્યારે વધુમાં વધુ શિક્ષણ લોકો સુધી પહોંચે તે માટે સમાજમાં કામગીરી કરવી આવશ્યક છે. ભરૂચ જીલ્લા મુસ્લીમ પટેલ સહાયક મંડળના વાર્ષિક સમારોહ અને તેજસ્વી વિદ્યાથી સન્માન સમારોહમાં પ્રેરક ઉદબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય સેવા દ્વારા સમાજનું ઘડતર થશે. સમાજના તમામ યુવાન-યુવતીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તે માટે સમાજ અને સંસ્થા તકો અને માર્ગદર્શન પૂરું પાડે. જે રીતે તેજસ્વી વિદ્યાથીઓ કે જેમને આજે પારિતોષિક મેળવ્યા છે તે વિદ્યાથીઓ-વાલીઓ ખાસ કરીને માતાઓ અભિનંદનને પાત્ર છે. બાળકોમાં સંસ્કારનું સિંચન અને અભ્યાસ માટે બાળકનું વિશેષ ધ્યાન માતાઓ રાખતી હોય છે. ત્યારે આજના આ શુભ પ્રસંગે માતા-બહેનોને હું મુબારકબાદ આપું છું. માતા-પિતા દ્વારા બાળક પર કોઈ પણ વાત ઠોકી દેવાની જરૂર નથી, બાળકના રસ અને રૂચી મુજબ જ અભ્યાસ કરવાની તકો આપવી જોઈએ. અગાઉ આ સંસ્થામાં અઢાર વર્ષ પહેલા આ કાર્યક્રમમાં ભાગીદાર થયો હતો. ત્યારે ફરી એક વખત સુંદર આવવાની તક મળી એ બદલ સંસ્થાના પદાધિકારીઓનો આભાર માનું છું.