બનાસકાંઠા જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા શ્રી રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આજે પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી રાહુલ ગાંધી રાજસ્થાનથી સીધા હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા આવી પહોંચ્યા હતા. આ મુલાકાત સમયે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનો તેમની સાથે રહ્યા હતા. પૂરપીડિતો સાથે મુલાકાત બાદ ધાનેરા માર્કેટયાર્ડમાં શ્રી રાહુલ ગાંધીએ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી જેમાં શ્રી રાહુલ ગાંધી સમક્ષ વેપારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. ધાનેરાના માલોત્રા ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. પૂરના પાણીમાં તણાઈ જતાં રાવતાભાઈ પ્રજાપતિનું મોત થયું હતું. તેમના પરિવારને મળવા માટે શ્રી રાહુલ ગાંધી માલોત્રા ગામે પહોંચ્યા હતા જ્યાં પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી હતી અને આશ્વાસન આપ્યું હતું. જ્યારે બારોટ પરિવાર સાથે બેસીને શ્રી રાહુલ ગાંધીએ તેમની વ્યથા સાંભળી અને બાળકને વહાલ કર્યું. ધાનેરા બાદ થરાના રૂણી ગામ ખાતે શ્રી રાહુલ ગાંધીએ પુરપીડીતો સાથે વાતચીત કરી હતી અતિવૃષ્ટિમાં હજારો લોકો બેઘર થયા છે, ખેડૂતોની હજારો હેક્ટર જમીનનું સંપૂર્ણપણે ધોવાણ થયું છે. પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. રૂણી ગામ ખાતે જતા રસ્તામાં શ્રી રાહુલ ગાંધીએ પોતાના કાફલાને રોકીને મોટી સંખ્યામાં ઉપસ્થિત પુરપીડીતો સાથે રાહુલજીને આપવીતી સાંભળી હતી. તેમની વ્યથા અને દુઃખ દર્દ સાંભળ્યા બાદ શ્રી રાહુલ ગાંધીએ જૈન ઉપાશ્રય ખાતેની બેઠકમાં પણ થરા વિસ્તારના પુરગ્રસ્ત ભાઈ-બહેનોને સંબોધન કરતા લાગણીસભર અવાજે કહ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષ પુરપીડીતોનો અવાજ ઉઠાવશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પુરપીડીતોને પુરતો ન્યાય મળે તે માટે દબાણ લાવશે. જૈન ઉપાશ્રય ખાતે ખારીયા ગામમાં કરૂણ ઘટનામાં ભોગ બનનાર એક જ પરિવારના ૧૭ સભ્યોના મૃત્યુ થયા હતો આ પરિવારના સ્વજનો સાથે શ્રી રાહુલ ગાંધી વ્યક્તિગત મળીને તેમના દુઃખમાં ભાગીદાર થયા અને સાંત્વના પાઠવી હતી. રૂણી ગામ ખાતે નર્મદા કેનાલનું જે મોટા પાયે તૂટવાની ઘટના બની તેના કારણે અનેક પરિવારો અસરગ્રસ્ત થયા, ભોગ બન્યા, મોટા પાયે નુક્શાન થયું તે સ્થળની મુલાકાત રાહુલજીએ લીધી હતી.