ફરજિયાત મતદાનનો વટહુકમ સરકારની દાદાગીરી: શંકરસિંહ

– ‘પેટિયું રળવા ફરતા નાગરિકો માટે તાનાશાહીનો સંકેત’
– પૂર્વ તૈયારી વિના જ કાયદો લાગુ કરવાનું ઉતાવળું પગલું
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત મતદાન બાબતે વટહુકમ જાહેર કરાતા છંછેડાયેલા વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારનો આ નિર્ણય નાગરિકોના બંધારણીય હક વિરુદ્ધનું પગલું છે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
શંકરસિંહ વાઘેલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, પેટનો ખાડો પૂરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે કે એક શહેરથી બીજા શહેરમાં વસતા નાગરિકો માટે અને ગુજરાતની સમગ્ર પ્રજા માટે ફરજિયાત મતદાનનો નિર્ણય સરમુખત્યારશાહીનો અ્નુભવ કરાવે તેવો છે. મતદાન કરવું કે ન કરવું તે પ્રજાની સ્વતંત્રતા છે અને તે તેમનો બંધારણીય અધિકાર છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર ફરજિયાત મતદાન કરવાનો કાયદો પસાર કરીને નાગરિકોના બંધારણીય હક વિરુદ્ધનું પગલું ભરે છે.
નાગરિકો મતદાન કરે તે ઇચ્છનીય છે અને રાજકીય પક્ષો પ્રજાલક્ષી કામ કરે તો લોકો દોડીને મત આપવા જાય તે સ્વાભાવિક છે, પણ ભાજપ સરકાર મત આપવા ન જનારા લોકોને સજા કરવાની હોય તો ગુજરાતની પ્રજા ભાજપ સરકારને પણ સજા આપશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ફરજિયાત મતદાન ભાજપ સરકાર દાદાગીરીથી લાદવા માગતી હોય તો પંચમહાલ, દક્ષિણ ગુજરાતનો મોટા ભાગનો આદિવાસી વિસ્તાર રોજરોટી માટે વિવિધ સ્થળે જતા હોય છે.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-government-ordinance-bossiness-compulsory-voting-say-shankarsinh-5066949-NOR.html