પાટીદારોને મુક્ત ન કરતાં 5મીએ કોંગ્રેસ દ્વારા ‘દમન આક્રોશ રેલી’
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જેલમાં બંધ સહિત બાકીના તમામ યુવાનો સામે કેસ પરત ખેંચીને જેલમાંથી મુક્ત કરવામાં ન આવતા તા. 5 જાન્યુઆરીની ‘દમન આક્રોશ રેલી’ યથાવત્ રાખવાની કોંગ્રેસે જાહેરાત કરી છે. જોકે પાસ અને એસપીજીએ સત્તાવાર રીતે એવી જાહેરાત કરી છે કે કોઈ રાજકીય પાર્ટીની રેલીને પાસ અને એસપીજી સંસ્થા હોવાથી ટેકો ન આપી શકે પણ પાટીદારોના સમર્થમાં રેલી હોવાથી જે પાટીદારોએ જોડાવવું હોય તેઓ જાેડાઇ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનમાં ઝડપાયેલા 382 વ્યકિતઓ સામેના કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે, પણ હજુ હાર્દિક પટેલ સહિતના 14 વ્યકિતઓ જેલમાં બંધ છે. જ્યારે હજુ 1368 સામો કેસ અકબંધ છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના કહ્યા પ્રમાણે ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો પર પોલીસ દમન કર્યું છે અને જે રીતે ખોટા કેસ કર્યા છે તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પરના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માગણી સાથે નાગરિકોના ક-અધિકાર માટે કોંગ્રેસ દ્વારા તા. 5 જાન્યુઆરીએ ગાંધી આશ્રમથી બપોરે બે કલાકે રેલી કઢાશે.