પાટણમાં કોંગ્રસનો લોક દરબાર પાણી, રોજગારીના પ્રશ્નનો મારો

પાટણનાબગવાડા દરવાજા ખાતે શુક્રવારે બપોરે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા કોંગ્રેસના લોક દરબાર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા કાર્યકરો અને જનતા સમૂહ દ્વારા તેમની માગણી અને સમસ્યાઓ રજૂ કરાતાં પ્રદેશ નેતાઓએ સરકારમાં તેમનો અવાજ પહોંચાડવાની ખાત્રી અાપી હતી. અસહ્ય ગરમીમાં પણ લોકોથી શમિયાણો ભરાઇ ગયો હતો. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તેમના પ્રવચનમાં કટાક્ષ કર્યો હતો કે, પ્રશ્નોનું આભ ફાટયું છે. ત્યારે ગાંધીનગરમાં કોઇને કોઇનો પ્રશ્ન સાંભવવા માટે સમય નથી.

કોંગ્રેસના લોક દરબારમાં સાંતલપુર રાધનપુર વિસ્તારમાં પાણીની સમસ્યા, હારિજ- સમી વિસ્તારમાં જીઆઇડીસી બનાવી લોકોને રોજગારી આપવી, પૂરમાં મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સહાય ચુકવવી, ચાણસ્મા રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં સ્પોર્ટસ સંકુલ બનાવવું, ચાણસ્મા તાલુકાને સુજલામ સુફલામ કેનાલનો લાભ આપવો, સરકારી યોજનાની સહાય સહિતના પ્રશ્નો અને માગણીઓ લોકોએ જાહેરમાં રજૂ કરી હતી. ઉપરાંત, સંખ્યાબંધ લોકોએ લેખિતમાં પ્રશ્નો બંને મહાનુભાવોને કર્યા હતા. લોક દરબારમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય બળવંતસિંહ રાજપુત, ભાવસિંહ રાઠોડ, રઘુભાઇ દેસાઇ, કાનજીભાઇ દેસાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

http://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-MAT-latest-patan-news-040004-263518-NOR.html