પંચાયત વિભાગમાં 25,000 જગ્યા ખાલી 7-12ના ઉતારા પણ મળતા નથી: કોંગ્રેસ

રાજ્ય સરકાર ગ્રામ્યવિસ્તારોમાં વસતા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યાનો દાવો કરે છે પરંતુ પંચાયત વિભાગમાં જુદા જુદા સંવર્ગની ખાલી જગ્યાઓ સરકારના દાવાની પોલ ખોલી રહ્યા છે.

પંચાયત વિભાગની ૬૫,૬૮૩ જગ્યામાંથી ૨૫,૬૭૨ જગ્યાઓ ખાલી રાખીને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે અગત્યના એવા પંચાયતના માળખાને તોડવાનું કામ રાજ્ય સરકાર કરી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ગ્રામવિકાસમાં પંચાયત અને મહેસૂલ તલાટી, ગ્રામસેવક સહિતના કર્મચારીઓની પાયાની ભૂમિકા હોય છે પરંતુ આ કેડરની હજારો જગ્યા ખાલી છે. ખેડૂતોને ૭-૧૨ અને ૮-અના ઉતારા આપવા માટે મે.ભારતી એરટેલ લિ.ને ૨૦૦૮થી દર મહિને રૂ. ૫૦,૭૦ લાખ જેવી માતબર રકમ ચૂકવાય છે પરંતુ ખેડૂતોને સમયસર દાખલા મળતા નથી.

કોંગ્રેસના ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પંચાયત તાબાની વર્ગ-૨ની ૬૦૧માંથી ૪૪૩ જગ્યા ખાલી છે. વર્ગ-૪ની ૭૮૮૭માંથી ૪,૩૬૫ જગ્યા ખાલી છે. ગ્રામસેવકોની ૪૧૧૭ જગ્યામાંથી ૨૪૩૪ જ્યારે મહેસૂલ તલાટીની ૨૦૯૩માંથી ૯૧૩ અને પંચાયત તલાટીની ૧૧૮૯૫માંથી ૩૭૯૪ જગ્યા ખાલી છે.

રેતીની લીઝની રોયલ્ટી પેટે પંચાયતોને સરકારે ૨૦૧૨-૧૩માં રૂ. ૧૦૯.૧૨ કરોડમાંથી અત્યારસુધીમાં વિવિધ માત્ર રૂ. ૧૬.૧૦ કરોડની રકમ ચૂકવી છે. ૨૦૧૩-૧૪માં રોયલ્ટીની રકમ રૂ. ૧૦૨.૦૯ કરોડ છે પરંતુ હજુ સુધી સરકારે પંચાયતોને આ રકમ ચૂકવી નથી.

http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/25000-posts-are-vacant-in-panchayat-department/articleshow/48505551.cms