“પંચાયત નવસર્જન”

૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની ચુંટણીને ધ્યાનમાં લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા વિઝન ડોક્યુમેન્ટ ફોર પંચાયત ને આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું માળખું તોડી નાખ્યું છે. ત્યારે સ્વ.રાજીવ ગાંધીએ પંચાયતી રાજ દ્વારા ગ્રામીણ વિકાસથી રાષ્ટ્ર વિકાસ સુદ્રઢ કરવાના આશયથી પંચાયત રાજમાં ૩૩ ટકા મહિલા અનામત અને એસ.સી./એસ.ટી. અને બક્ષીપંચ માટે જોગવાઈ કરીને સત્તાના ભાગીદાર બનાવ્યા. ભાજપ સરકાર હંમેશા સરમુખત્યારશાહી અને સત્તાના કેન્દ્રીકરણમાં માને છે. જયારે કોંગ્રેસ સત્તાના વિકેન્દ્રિકરણમાં માને છે. ભાજપ શાસનમાં જીલ્લા, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અવાજ રોકવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ રાજ્યની પંચાયતી માળખાને મજબૂતી આપવા માટે પ્રતિબદ્ધ છે. ૧ લાખ ૩૦ હજાર કરોડની માતબર આવક ધરાવતાં ભાજપ શાસકો બક્ષીપંચના નિગમ, પશુપાલક નિગમને નામ પૂરતા નાણા ફાળવી રહ્યા છે. ભાજપ શાસનમાં દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારમાં મોટા પાયે વધારો થયો છે. ભાજપ દલિત, આદિવાસી અને બક્ષીપંચ વિરોધી માનસિકતા ધરાવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દલિત, આદિવાસી અને બક્ષીપંચને થતા અન્યાય અને અત્યાચાર સામે કટીબદ્ધતાથી લડત આપી રહી છે અને ભવિષ્યમાં પણ આપશે.