નિવૃત્ત IPS કુલદીપ શર્મા કોંગ્રેસમાં જોડાયા
નિવૃત્ત આઈ.પી.એસ. અધિકારી કુલદીપ શર્મા આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુલદીપ શર્માએ વર્ષો સુધી પોલીસમાં અસરકારક કામગીરી બજાવી છે. જાહેર વહીવટી અનુભવ અને કાર્યક્ષમતા કોંગ્રેસ પક્ષ માટે ઉપયોગી સાબિત થશે.
કુલદીપ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ સેવામાં ૩૭ વર્ષ કામગીરી કર્યા બાદ નિવૃત્ત થયો હતો. એક વર્ષ સુધી પ્રજા કલ્યાણ શું કરી શકાય તે અંગે વિચાર કર્યો. આખરે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો. તેમણે જણાવ્યું કે ભારત દેશના બંધારણનું આમુખ અને કોંગ્રેસ પક્ષના બંધારણમાં ઘણી સામ્યતા છે. ગુજરાત કે કેન્દ્રમાં સત્તા કોની છે તે મહત્ત્વનું નથી, પણ પક્ષના મૂલ્યો,સિદ્ધાંતોમાંથી કોંગ્રેસ પક્ષ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલીત થયો નથી તે મારા માટે મહત્ત્વનું છે. દેેશમાં પણ કોંગ્રેસ પક્ષ એવો જ છે જે દેશને સાચી દિશામાં લઈ જઈ શકે છે. આ કોંગ્રેસ પક્ષ માત્ર એવો પક્ષ છે જેમના ત્રણ વડા પ્રધાનોએ ત્રણ યુદ્ધો જીત્યા છે.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આજે હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું. અત્યારે મારું સ્થાન ઝીરો છે. પક્ષ જે જવાબદારી સોંપશે તેમાં મારા અનુભવો અને આવડત દ્વારા સેવાલક્ષી કાર્ય કરીને ગુજરાતની પ્રજો મને ૩૭ વર્ષમાં જે આપ્યું છે તે મારે પરત તેમને આપવું છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3131851