નિર્દોષ યુવાનોને છોડો, કેસ પાછા ખેંચો: ભરતસિંહ સોલંકી

જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓના પરિણામોમાં જંગી સફળતા મેળવ્યા બાદ જોશમાં આવેલી કોંગ્રેસે પોતાની તરફ વળેલા પાટીદારોને ખુશ કરી દે તેવી જાહેરાત કરી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જાહેર નિવેદન આપ્યું છે કે ‘‘વી સ્ટેન્ડ બાય પાટીદાર સમાજ’’, મતલબ કે કોંગ્રેસ પાટીદાર સમાજની પડખે ઊભી છે. આ નિવેદન કરતા પહેલાં ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં ભાજપ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ‘‘કોંગ્રેસ માંગણી કરે છે કે ભાજપ સરકાર નિર્દોષ પાટીદાર યુવાનો પર કરેલા કેસોને તાત્કાલિક અસરથી પાછા ખેંચે, પાટીદાર આંદોલનકારીઓ નિર્દોષ છે તેથી તેમના પર લગાવવામાં આવેલી ખોટી કલમોને દૂર કરવામાં આવે અને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે.

જો ભાજપ સરકાર કોંગ્રેસની માંગણીને અવગણશે તો નજીકના દિવસોમાં જ કોંગ્રેસ પાટીદાર યુવાનોને જેલમાંથી છોડાવવા માટે રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન શરૂ કરશે.’’ જ્યારે સિદ્ધાર્થ પટેલે ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ‘‘ગુજરાતની ભાજપ સરકાર જેટલી અસહિષ્ણુ બીજી કોઈ સરકાર જોઈ નથી. આ સરકારના રાજમાં કોઈ પણ પોતાનો અવાજ ઉઠાવીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકતો નથી. જો અવાજ ઉઠાવે તો તેને દબાવીને કચડી નાંખવામાં આવે છે.
તેમના ઉપર રાજદ્રોહનો ગુનો લગાવવામાં આ‌વે છે. અસંખ્ય યુવાનોને તેમના વિસ્તારોમાંથી તડીપાર કરવામાં આવે છે. જેલમાં પૂરવામાં આવે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ માગ કરે છે કે પાટીદારો પરના ખોટા કેસ પાછા ખેંચવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈને અવાજ ઉઠાવશે. કારણકે ભાજપ સરકારે યુવાનોના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-we-stand-by-patidar-samaj-say-congress-leader-bharatsih-solanki-5187128-PHO.html