નાગા શાંતિસમજૂતી મોદીસરકારના અહંકારનું પ્રતીક : સોનિયા ગાંધી

નાગા શાંતિસમજૂતી એ મોદીસરકારના અહંકારનું પ્રતીક છે તેવા આક્ષેપો કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ કર્યા છે. નાગાલેન્ડમાં બળવાખોરો સાથે શાંતિકરાર કરતી વખતે મોદીસરકારે વિરોધપક્ષોને વિશ્વાસમાં લીધા નથી કે વિપક્ષી નેતાઓને તેની જાણ કરવાની પરવા કરી નથી. મોદીએ ઉત્તરપૂર્વ રાજ્યોના કોગ્રેસી મુખ્ય પ્રધાનોને વિશ્વાસમાં લીધા નથી, આમ કેન્દ્રની ભાજપસરકારે આ મામલે ઉત્તરપૂર્વનાં લોકોનું અપમાન કર્યું છે તેમ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું. સોમવારે મોદીસરકાર દ્વારા નાગાલેન્ડના બળવાખોર ગ્રૂપ નેશનાલિસ્ટ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(ઇસાક-મુઇવાહ) સાથે શાંતિસમજૂતીના કરાર કર્યા હતા.

સંસદમાં વિપક્ષોનો અવાજ રૃંધવામાં આવે છે : રાહુલ

સત્તા પર આવ્યા પછી સૌને સાથે રાખીને સરકાર ચલાવવાની સુફિયાણી વાતો કરનાર ભાજપસરકાર દ્વારા સંસદમાં વિરોધપક્ષોનો અવાજ રૃંધવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યા હતા. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા કોંગ્રેસના ૨૫ સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના વિરોધમાં સતત ત્રીજા દિવસે કોંગ્રેસના નેતાઓ અને સાંસદો દ્વારા સંસદ પરિસરમાં ધરણાં યોજવામાં આવ્યાં હતાં. આ વખતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓ અને સાંસદો હાજર રહ્યા હતા.

http://www.sandesh.com/article.aspx?newsid=3108460