“નવસર્જન ગુજરાત” : વિસ્તૃત કારોબારી બેઠક આણંદ ખાતે
સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહ આણંદ ખાતે યોજાયેલ કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ સહિત વિશેષ આમંત્રિતોને માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજીએ જણાવ્યું હતું કે, પક્ષમાં શિસ્ત અંગે કોઈ પણ જાતની ઢીલાશ ચલાવવામાં નહીં આવે, અનુશાસનથી જ પક્ષ પ્રગતિ કરે છે. પક્ષના આદેશની અવગણના કરનાર સામે સમય આવ્યે યોગ્ય પગલાં ભરવામાં આવશે. પક્ષની તાકાતથી જ વ્યક્તિ વિવિધ પદ પર પહોંચીને મોટો વ્યક્તિ બને છે ત્યારે ટૂંકા રસ્તા અપનાવી પદ મેળવનાર, ગેરશિસ્ત કરનાર અને પક્ષના આદેશની અવગણના કરનારને થોડા સમય માટે લાભ મળે છે પરંતુ લાંબા ગાળે તેને કોઈ પદ કે પ્રતિષ્ઠા મળતી નથી.
કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મુકીને ગુજરાતના મતદાતાઓએ ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૪ થી વધુ તાલુકા પંચાયતોમાં સત્તાના સુકાન સોંપ્યા છે ત્યારે આપણે વિશેષ જવાબદારી બને છે કે, પક્ષના મૂલ્યો અને વિચારધારા સાથે રાજીવજીના સપનાનું પંચાયતી રાજ અસરકારક રીતે લાગુ કરીએ અને પ્રજાલક્ષી કામગીરી-સુશાસન સ્થાપીએ. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના વિજયથી સમગ્ર દેશમાં સંદેશ ગયો છે. વડાપ્રધાન, મુખ્યમંત્રી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષના જિલ્લામાં પણ ભાજપ પક્ષનો કારમો પરાજય થયો છે. કેન્દ્રમાં ૧૯ મહિનાના ભાજપના શાસનથી લોકો પરેશાન છે ગુજરાતમાં પણ ભાજપ શાસનથી પ્રજા થાકી ગઈ છે ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર સામે લડત આપવાનો સમય પાકી ગયો છે. રાજ્યમાં એમ.ઓ.યુ. અંગે અબજો રૂપિયાનું રોકાણ અને લાખો રોજગારીના વાયદા થયા પરંતુ હકીકતમાં ૪ ટકા પર એમ.ઓ.યુ. પણ અસ્તિત્વમાં આવ્યા નથી. ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. શિક્ષણના અધિકારને પણ ગંભીરતાથી લાગુ કરતી નથી. ભાજપ સરકાર ગરીબ અને પ્રજા વિરોધી છે. મોંઘવારીએ માઝા મુકી છે. તેમ છતાં વડાપ્રધાન કેમ મૌન છે? આ પ્રશ્ન દેશની જનતા જાણવા માંગે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note