નર્મદાનાં નીર મુદ્દે સીએમ જુઠ્ઠાણાં ફેલાવે છે: કોંગ્રેસ
રાજ્યભરમાંચૂંટણી પ્રચાર કરી રહેલાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ નર્મદા નીર પહોંચાડવાની સિદ્ધિ વિશે જુઠ્ઠાણાં ફેલાવતાં હોવાનો આરોપ કોંગ્રેસે કર્યું છે. પક્ષના પ્રવક્તા ડો. મનીષ દોષીએ મુખ્યમંત્રી પર સીધો પ્રહાર કરી નર્મદાનાં નીર મુદ્દે જુઠ્ઠાણાં ફેલાવવાનું બંધ કરી ગુજરાતના લોકોને સાચી હકીકત જણાવવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો ભલે પાણી વિના ટળવળતા હોય, નર્મદાની કેનાલોનાં હજારો કિલોમીટરનાં કામકાજ ભલે હજુ પણ બાકી હોય, ગુજરાતની ભાજપ સરકાર નર્મદા યોજનાના મુખ્ય હેતુથી દૂર હટીને રોજનું 20 મિલિયન લિટર જેટલું નર્મદાનું પાણી ઉદ્યોગોને આપી રહી છે. જે સરકાર છેલ્લાં 17 વર્ષોમાં વીજ જોડાણો અને નર્મદાનું પાણી રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે તે સરકારે નર્મદા યોજનાની હકીકત જણાવવી જોઈએ. ઉદ્યોગ કમિશનર કચેરીના પત્ર અન્વયે રાજ્યના 10 ઉદ્યોગગૃહોને પ્રતિ દિન 200 મિલિયન લિટર પાણીનો જથ્થો ફાળવવાનો આદેશ કરાયો છે, જે દર્શાવે છે કે સરકારે મળતિયાં ઉદ્યોગપતિઓને કરોડો લિટર પાણીના પરવાના આપ્યા છે. જ્યારે બીજી બાજુ નર્મદાનો મુખ્ય હેતુ એટલે કે પીવાનાં પાણી અને સિંચાઈનું પાણી પૂરું પાડવાનો છે, પરંતુ આજે 8 હજારથી વધારે ગામને પીવાનું પાણી મળતું નથી.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-053627-3100531-NOR.html