ધાનાણીએ પોતાની 4 વર્ષની દિકરીનાં હાથે પારણા કર્યા, અમરેલીમાં ઉપવાસ આંદોલનનો અંત
શકિતસિંહ આવ્યા અને ધારાસભ્યએ અચાનક ઉપવાસ છોડયા : લોકોની લાગણી નહી સમજનાર સરકાર સામે લડત ચાલુ રાખવા નિર્ધાર
અમરેલી : અમરેલી જિલ્લાના પુરપિડીતોને રાહત પેકેજ સહિત જુદીજુદી વીસ માંગણીઓ સબબ અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી દ્વારા છેલ્લા 11 દિવસથી ચલાવાઇ રહેલુ ઉપવાસ આંદોલન આજે સમાપ્ત થયુ હતુ. પોતાની ચાર વર્ષની પુત્રીના હાથે પારણા કરતા ધાનાણીએ જણાવ્યું હતુ કે ખરી લડત હવે શરૂ થાય છે અને હવે આ લડતને ગામે ગામ લઇ જવામા આવશે. આજે પ્રદેશ કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓ અમરેલી દોડી આવ્યા હતા અને ધાનાણીને પારણા માટે અપીલ કરી હતી.
પરેશ ધાનાણીના આમરણાંત ઉપવાસની શરૂઆત આમ તો રાહત પેકેજની માંગ સાથે શરૂ થઇ હતી પરંતુ 14 જિલ્લા માટે માત્ર 300 કરોડનુ રાહત પેકેજ જાહેર થતા અમરેલી જિલ્લાના પુરપિડીતોને હળહળતો અન્યાય થયો હોવાનુ જણાવી તેમણે પોતાનુ ઉપવાસ આંદોલન વધુ ત્રણ દિવસ માટે લંબાવ્યું હતુ. જો કે આ વધારાના ત્રણ પૈકી આજે બીજા દિવસે પ્રદેશ કોંગ્રેસમાંથી શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનો અમરેલી દોડી આવ્યા હતા અને ગાંધીનગરમા બેઠેલી મુંગી અને બહેરી સરકાર લોકોની લાગણી નહી સમજે તેમ જણાવી આ લડતને હવે ગામડાઓમાં લઇ જવા જણાવી પારણા કરવા અપીલ કરી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારીની બેઠક પણ બોલાવાઇ હતી અને ઠરાવ કરી ધાનાણીને પારણા કરવા અપીલ કરાઇ હતી. જેને પગલે આજે સાંજે અહીના નાના બસ સ્ટેન્ડ ચોકમાં ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પોતાની ચાર વર્ષની પુત્રીના હાથે પારણા કર્યા હતા. મંચ પરથી બોલતા તેમણે જણાવ્યું હતુ કે આ લડત પુરી નથી થતી પરંતુ શરૂ થાય છે. 300 કરોડના 14 ભાગ પડશે ત્યારે અમરેલી જિલ્લાના ભાગે શું આવશે ?. લોકો અહી જાહેર મંચ પર આવી રડી રહ્યાં છે. સરકાર સામે મદદની આશા રાખીને બેઠા છે. તેવા સમયે આ સરકાર નિર્દયી બની છે.
http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-amreli-by-congress-to-end-the-ongoing-strike-movement-5055134-PHO.html?OF17