દમન મુદ્દે સરકાર ચૂપ, અધ્યક્ષે ૩ વાર ગૃહનું કામ મોકૂફ રાખ્યું
- શક્તિસિંહનો અવાજ દબાવવા માઈક બંધ કરાયાં
- જવાબદેહિતાથી દૂર ભાગતી સરકારના મંત્રીઓનાં મોઢાં સિવાઈ ગયાં
- સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા
પાટીદાર અનામત આંદોલન સમિતિના ઉપવાસ આંદોલન અને ત્યારબાદ રાજ્યભરમાં ફાટી નિકળેલી હિંસા, સરકારી મિલકતોનું નુકસાન સંદર્ભે સરકારની જવાબદેહિતા અને શહિદોને શ્રદ્ધાંજલિ આપવા વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં મુદ્દા ઉઠાવ્યા હતા. જો કે, બપોરે ૧૨થી ૪ વાગ્યાના ઘટનાક્રમમાં વિપક્ષને પ્રજાની લાગણી રજૂ કરતા અટકાવાયા હતા. વિપક્ષની હાજરીમાં સરકારે આ મુદ્દે એક શબ્દપણ ઉચ્ચાર્યો નહોતો. અધ્યક્ષે ત્રણ વખત ગૃહનું કામકાજ ઠપ્પ કર્યું અને છેવટે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી પોલીસ સાર્જન્ટ દ્વારા ટીંગાટોળી કરી બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.
સત્રના બીજા દિવસે પહેલાથી જ નક્કી થયું હોય તેમ નિર્દોષો પર દમનકારી ઘટનાક્રમમાં સરકારે તત્કાળ જવાબ આપવાનું ટાળ્યંુ હતું. શહિદોને શ્રદ્ધાંજલિ અને ગુજરાતની સ્થિતિને થાળે પાડવા તમામ ધારાસભ્યોને વિસ્તારમાં મોકલવા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંગે સરકારના મંત્રી કોઈ જવાબ આપે તે પહેલા જ અધ્યક્ષ ગણપત વસાવાએ તેને રદ્દ કરતા ગૃહમાં ભારે સુત્રોચ્ચાર થયા હતા. આથી પહેલી વખત ૧ વાગ્યા સુધી ગૃહનું કામકાજ સ્થગિત કરાયું. ફરી મળેલી બેઠકમાં સિનિયર મંત્રી નીતિન પટેલે બનાસકાંઠામાં અતિવૃષ્ટી સંદર્ભે ૧-૨૨ કલાક સુધી જવાબો આપતા હતા ત્યારે પણ હોબાળો ચાલુ રહેતા અધ્યક્ષે ૩૦ મિનિટ માટે ગૃહ મુલતવી રાખ્યું. ૧-૫૩ કલાકે બીજી વખત ગૃહ મળ્યું ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા અને અબડાસાના ધારાસભ્ય ગોહિલે અધ્યક્ષ પાસે મંજૂરી માગી તો ગણપત વસાવાએ રીતસર માઈક બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો. ગોહિલને બોલવા જ ન દેતા ઉશ્કેરાયેલા વિપક્ષના ધારાસભ્યોને જ અધ્યક્ષે નિયમ-૫૧ હેઠળ પોતાની સત્તાની રૂએ સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા સ્થિતિ વણસતા પાછળથી ત્રીજી વખત ૧૫ મિનિટ માટે ગૃહનું કામકાજ સ્થગિત કર્યું હતું.
http://www.sandesh.com/article.aspx?newsid=3116877