તાલુકા અને જિલ્લા પંચાયતોનીચૂંટણીઓ નિયત સમયમાં પૂરી કરો

ગુજરાતમાં ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૭ તાલુકા પંચાયતોની મુદત નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂરી થતી હોવાથી તેની ચૂંટણી માટેની તારીખો જાહેર થવી જોઈતી હતી તે હજુ થઇ નથી. જેથી કોંગ્રેસના આગેવાનો આજે રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરવા ગયા હતા. તેમણે આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સમયસર થાય અને પંચાયતી રાજની સંસ્થામાં પ્રજાને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમય મર્યાદામાં મળે તે જરૂરી છે.

પ્રદેશ ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલ તથા પ્રદેશ મહામંત્રીઓ નિશિત વ્યાસ, ઇકબાલ પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વગેરેની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટે ઓર્ડરની મર્યાદાથી બહાર રહેતી અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ મુદત પૂરી થાય ત્યાં સુધીમાં સમયસર યોજવી જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લોકશાહીનો આધાર સ્તંભ છે અને તેથી જ ચૂંટણીઓ સમયસર યોજવા અંગે સુપ્રીમ કોર્ટે અવારનવાર અવલોકનો અને ચુકાદા આપ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ તરીકે લોકશાહીના મૂલ્યોની જાળવણી એ તમારી જવાબદારી છે.

ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ પ્રતિનિધિ મંડળને સાંભળી જણાવ્યું હતું કે ચૂંટણી પંચ તમામ પાસાને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય સમયસર જાહેર કરશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3139648