તાકાત હોય તો મોદી સામે રાજદ્રોહનો ગુનો નોંધો: વાઘેલાનો પડકાર
પાટીદાર અનામત આંદોલન ચલાવતા હાર્દિક પટેલ અને તેમના સાથીદારો સામે રાજ્ય સરકાર રાજદ્રોહ જેવા ગંભીર ગુના દાખલ કરીને પાટીદારોના હક્ક સાથે જોડાયેલા આંદોલનને ડામવા માગે છે, પણ ગુજરાત સરકારમાં તાકાત હોય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે રાજદ્રોહનો ગુનો નોંધે, તેવો પડકાર વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને ફેંક્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડ અને મુંબઈની તાજ હોટૅલમાં કરાયેલા બોમ્બ બ્લાસ્ટ વખતે ભડકાઉ અને પ્રજાને ઉશ્કેરતું નિવેદન કર્યું હોવાની વાત તાજી કરતાં તેમણે આ માગણી કરી હતી.
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે સંબોધન કરતાં વાઘેલાએ કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડ વખતે ‘એક્શનના રીએક્શન’ હોય અને ત્રાસવાદીઓ દ્વારા મુંબઈની હોટલ તાજ પર કરાયેલા હુમલા વખતે ‘હું હોઉં તો ગુજરાતવાળી કરું’ તેવાં નિવેદનો કર્યાં હતાં. પાટીદાર આંદોલન ચલાવતા હાર્દિક પટેલ અને તેના સાથીદારો સામે લોકોને ભડકાવવા જેવી બાબતોને આગળ ધરીને રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવતો હોય તો પછી રાજ્ય સરકારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ રાજદ્રોહનો ગુનો નોંધવો જોઈએ.
તેમણે એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર પાટીદાર આંદોલનના આગેવાનો સામે રાજદ્રોહનો ગુનો નોંધીને આંદોલનને, લોકોની માગણીને દબાવવા માગે છે. રાજ્ય સરકારની આવી હરકત સરકારની વિકૃત માનસિકતા છતી કરતી હોવાનું પણ તેમણે કહ્યું હતું. સરકારને ચૂંટણીમાં હારનો ડર હોવાથી કોઈ પણ રીતે આંદોલનને કચડી નાખવા માગે છે, પણ આ રોષ સરકાર સામે જ સ્પ્રિંગની જેમ ઉછળશે, તેમ વાઘેલાએ ઉમેર્યું હતું.
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-congress-leader-vaghela-challenge-to-gujarat-government-filed-treason-against-mo-515041.html?seq=1