ડ્રાયફ્રૂટ્સ સાથે દાળ-ટામેટાની ભાવવધારાની સ્પર્ધા થઇ રહી છે

– મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધરણાં કરાયાં

– ભાજપના શાસનમાં તુવેરદાળ રૃ.૨૦૦ અડદની દાળ રૃ. ૧૯૦એ પહોંચી છે : કોંગ્રેસ

લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા એવા વચનો આપવામાં આવ્યા હતા કે તેમની સરકાર ૧૦૦ દિવસમાં મોંધવારી દૂર કરશે. પરંતુ તેનાથી વિપરીત મોંઘવારી ઘટવાને બદલે જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪૨૦ ટકાનો વધારો થયો છે અને ભાજપના સત્તાધીશો લાજવાને બદલે ઉત્સવો-તાયફામાં મશગૂલ છે. કેન્દ્રમાં ભાજપ સરકાર આવી છે ત્યારથી ડ્રાયફ્રુટ્સ સાથે દાળ-ટામેટાં-સફરજનના ભાવવધારા વચ્ચે સ્પર્ધા થઇ રહી છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે આજે મોંઘવારી મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ સરકારની સંગ્રાહખોરીને પ્રોત્સાહન આપવાની નીતિ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા-૮ મહાનગરપાલિકાઓમાં શાકભાજી અને જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓમાં થઇ રહેલા બેફામ ભાવવધારા સામે દેખાવો-સૂત્રોચ્ચાર-ધરણા કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું કે ‘સંગ્રહખોરો બેખોપ બનતા દાળ-ચોખા સહિતની ચીજવસ્તુઓ થાળીમાંથી ગાયબ થઇ ગઇ છે. ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબહેન જાહેરમાં કહે છે કે તેમનું કોઇ માનતું નથી. આ વાત સાચી છે એટલે જ શાકભાજી-અનાજ-કઠોળ-ખાદ્યતેલના સંગ્રહખોરો બેલગામ બન્યા છે. તુવેરદાળ ૧૬૬ ટકાના વધારા સાથે રૃ. ૨૦૦એ, અડદની દાળ રૃ. ૧૯૦એ પહોંચી છે અને બાબા રામદેવ દાળમાં પાણી નાખવાની સલાહ આપે છે. બટાકા-ટામેટાના ભાવમાં ૩૦૦ ટકા સુધીનો વધારો થયો છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gujarat-congress6918