જી.એસ.ટી.નો વણવિચાર્યે અમલ કર્યો, સરકાર પર સંસદથી સડક સુધી દબાણ લાવશું’

રાજકોટમાં વિવિધ ક્ષેત્રના વેપારીઓ,ડોક્ટરો, શિક્ષકો, યુવાનો વગેરે સાથે કોંગ્રેસ દ્વારા હેમુ ગઢવી હોલમાં યોજાયેલા ‘પરામર્શ’ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવના ભાષણથી નહીં પણ શ્રોતાજનની વાતથી થયો હતો જેના પ્રતિસાદમાં જી.એસ.ટી.મુદ્દે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધી અને પછી જી.એસ.ટી.નો વણવિચાર્યે અમલ કર્યો છે, કોંગ્રેસ લોકોને સાંભળી પુખ્ત વિચારણા કરીને કોઈ નિર્ણયનો અમલ કરતી પણ હવે લોકોને સાંભળવામાં નથી આવતા. જી.એસ.ટી.સામે ઉપસ્થિત સૌએ વ્યક્ત કરેલા તીવ્ર આક્રોશને જોઈને દેશના આ યુવા કોંગી નેતાએ કહ્યું મોદીજી કોઈનું સાંભળતા તો નથી પણ અમે સંસદ, ધારાસભાથી માંડીને સડક પર જઈને આ મુદ્દે વેપારીઓની વેદના સાંભળી નિકાલ લાવે તે માટે સરકાર પર દબાણ લાવશું.

રાહુલ ગાંધીએ કહ્યું- આ દેશ નાનો નથી, કરોડોનો છે, કોઈ તૈયારી વગર કામ કરશો તો નુક્શાન જ જવાનું છે. નોટબંધીની વડાપ્રધાને જાહેરાત કરી ત્યારે દેશના અર્થતંત્રને પડતી ચોટ સીધી જેમના હૃદયમાં પડે છે તેવા વિશ્વના અર્થશાસ્ત્રી અમારા ડો.મનમોહનસિંહને આઘાત લાગ્યો. ડિમોનીટાઈઝેશન (નોટબંધી) એ દેશના બીગ બીઝનેસમેન, બ્યુરોક્રેટ્સ અને ઈન્કમટેક્સ વિભાગનું લોકો પરનું આક્રમણ  છે.

જી.એસ.ટી.ના અમલ પહેલા અમે વડાપ્રધાન મોદી તથા જેટલીને કહ્યું હતું પ્લીઝ, આટલો ઉતાવળે અમલ ન કરો, પ્યારથી ત્રણ-પાંચ મહિના ક્રમશઃ સીસ્ટમ ગોઠવી અમલ કરો પણ તે માન્યા નહીં. અમે મહત્તમ ૧૮ ટકા સીમ્પલ ટેક્સની જોગવાઈ કરી બિલ લાવ્યા પણ તેમણે ૨૮ ટકા ટેક્સ અને તે અતિ ગૂંચવાડાભર્યો કરી નાંખ્યો. આ બે નિર્ણયોના પગલે સરકાર ૫.૩ ટકા વિકાસદર કહે છે પણ યુ.પી.એ.ની પધ્ધતિએ ગણતા તે માત્ર ૪.૨ ટકા જ છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/gsat-implemented-the-unanimous-decision-the-government-would-put-pressure-on-parliament-from-