ચૂંટણી પાછી ઠેલવવા નિર્ણયને કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો

પાલીકાઓ અને પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પાછી ઠેલવાના રાજય સરકારે કરેલા વટહુકમને પડકારતી એક પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા શકિતસિંહ ગોહીલ ગાંધીનગરના પિટિશનર્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
પાટીદાર અનામત આંદોલનના કારણે લોકો મુકત અને ન્યાયી રીતે મતદાન નહી ંકરી શકે તેવી સરકારની ધારણાને આ પિટિશનમાં પડકારવામાં આવી છે. હાલની રાજયની સ્થિતિને જોતા મહાનગર પાલીકા, નગરપાલીકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજી શકાય તેમ નથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદાર નિમવાનો રાજયપાલ મારફતે વટહુકમ બહાર પડાયો છે. ગુજરાત કોંગ્રેસ કમિટિએ આ વટહુકમનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે કુદરતી આફતની સ્થિતિમાં જ આ પ્રકારનો વટહુકમ બહાર પાડી શકાય. આંદોલનકારી પાટીદારો ભાજપના ટેકેદારો જ છે અને સરકારને લાગે છે કે આ સ્થિતિમાં ચૂંટણી યોજાશે તો સત્તાપક્ષનો રકાસ થશે તેથી જ ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે. બીજી તરફ રાજય સરકારનું કહેવું છે કે બોમ્બે પ્રોવિન્શ્યલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ મુજબ રાજયમાં તોફાનો કે કૌમી અશાંતિના વાતાવરણમાં ચૂંટણીઓ પાછી ઠેલી શકાય છે. બીજી તરફ કોંગ્રેસના ટેકાથી સુપ્રીમકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવી છે જેમાં એક વોર્ડમાં એકથી વધુ નગરસેવકની વ્યવસ્થાને પડકારવામાં આવી છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-municipalities-and-panchayats-election-petition