ગોધરાકાંડ બાદ ચૂંટણી થઈ શકતી હોય તો અત્યારે કેમ નહીંઃ શંકરસિંહ
ચૂંટણી પાછી ઠેલવાના વટહુકમને કોર્ટમાં પડકારાશે
ગુજરાતની ભાજપ સરકાર રાજધર્મ નિભાવી ચૂંટણી કરાવે
અથવા વિધાનસભાનો ભંગ કરેઃકોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ
ગુજરાતમાં ૩૧ જિલ્લા પંચાયત અને ર૦૦ કરતાં વધુ તાલુકા પંચાયતની ચૂંટણીઓ નવેમ્બર મહિનામાં યોજવાની હતી ત્યારે રાજ્ય ચૂંટણી પંચે વટહુકમ બહાર પાડીને રાજ્યમાં હાલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી તેમ જણાવી ચૂંટણીઓને ત્રણ મહિના પછી યોજવાનું નક્કી કર્યું છે ત્યારે કોંગ્રેસે આ બાબતે સીધો જ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની આ સરકાર હાલની સ્થિતિ જોતાં હાર ભાળી ગઈ છે અને તેના જ કારણે ચૂંટણી પંચનો ઉપયોગ કરી ચૂંટણીઓ પાછી ઠેલી છે. આ બાબતને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તો વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ર૦૦૨ના ગોધરાકાંડ પછીના તોફાનોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવા છતાં વિધાનસભાની ચૂંટણી આ જ ભાજપ સરકારે કરાવી દીધી હતી.
રાજ્યમાં હાલ પાટીદાર અનામત આંદોલન પ્રસરી ચુકયું છે તેના કારણે ભાજપ સરકાર હાલ કોઈપણ ચૂંટણી યોજવા માટે તૈયાર નથી તેવું સ્પષ્ટ પણે લાગી રહયું છે. સરકારે ગઈકાલે ચૂંટણીપંચને ચૂંટણીઓ અંગે નિર્ણય લેવા માટે કહી દીધું હતું. તેના થોડાક જ કલાકોમાં ચૂંટણી પંચે વટહુકમ બહાર પાડયો હતો કે રાજ્યમાં છ મહાનગરપાલિકાઓ, પ૩ નગરપાલિકાઓ, ર૩૦ તાલુકા પંચાયતો અને ૩૧ જિલ્લા પંચાયતોની મુદત ઓકટોબર-નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. રાજ્યમાં આ સ્થાનિક ચૂંટણીઓનો વ્યાપ જોતાં મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા બાદ હાલ ચૂંટણી નહીં યોજવા અને સમીક્ષા કર્યા બાદ આગામી ત્રણ મહિનામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી ત્યારે આ અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલની ભાજપની આ સરકાર આજનું મોત કાલ ઉપર ધકેલી રહી હોય તેવું લાગી રહી છે. રાજ્યમાં અતિવૃષ્ટી કે અનાવૃષ્ટી હોય ત્યારે ચૂંટણીઓ મોકુફ રાખી શકાય. તે સિવાય કોઈ કાળે ચૂંટણી મોકુફ ના રખાય. હાલની ભાજપની સરકાર તેની હાર ભાળી ગઈ છે અને આ ચૂંટણીની અસર બિહારની ચૂંટણી ઉપર ના થાય તે માટે ઉપરના આદેશની ચૂંટણીઓ પાછી ઠેલાઈ રહી છે. રાજ્યમાં રપ ઓગસ્ટ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાથી રાજ્યપાલ સમક્ષ રાષ્ટ્રપતિ શાસનની માંગણી પણ કરી હતી. ત્યારે આ સરકાર રાજધર્મ નિભાવી ચૂંટણી કરાવે અથવા વિધાનસભાનો ભંગ કરે. ચૂંટણી પંચના આ વટહુકમ સામે કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે તેમ વધુમાં જણાવ્યું હતું.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-if-not-why-not-up-for-election-after-the-godhra-train-carnage-now