ગુણોત્સવો પાછળ કરોડો વેડફવા કરતાં શાળામાં શિક્ષકો વધારો
રાજ્યમાં ગુણોત્સવો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા કરતા રાજ્યની શાળાઓમાં શિક્ષણનું સ્તર, શિક્ષકોની ગુણવત્તા અને પ્રાથમિક સુવિધાઓ વધારવાની માગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, ‘ગુણોત્સવમાં ૮૩૬૬૫ શાળાઓમાંથી માત્ર ૮.૪૮ ટકા શાળાઓમાં જ પૂરતી સુવિધાઓ અને ગુણવત્તા વાળું શિક્ષણ અપાઇ રહ્યું હોવાનું ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે.’
આ સ્થિતિમાં રાજ્ય સરકાર શિક્ષણનું ખાનગીકરણ બંધ કરે, ગુણોત્સવ જેવા ખર્ચાળ કાર્યક્રમો બંધ કરી શિક્ષકોને પૂર્ણ વેતન આપે અને ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરે એવી કોંગ્રેસે માંગ કરી છે.
મનીષ દોશીએ જણાવ્યું હતું કે,‘રાજ્યમાં ૮૭ સરકારી શાળાઓમાં વીજળી નથી, ૩૦ શાળામાં પાકા મકાન નથી. ૮૩૮૮ ઓરડાઓની ઘટ ધરાવતી શાળાઓ છે. શિક્ષણ વિભાગ હેઠળની કચેરીઓમાં કુલ મંજૂર મહેકમ પૈકી ૫૦ ટકા ખાલી છે. ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની જગ્યા ખાલી છે.’
કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૧૪ પ્રમાણે ચોથા ધોરણમાં ૩૮ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં મોટા કેપિટલ અક્ષરો ઓળખી શકતા નથી. માત્ર ૯.૨ ટકા બાળકો જ સાદા શબ્દો ઓળખી શકે છે. શિક્ષણ પાછળ નાણાં ફાળવણીમાં ગુજરાત દેશમાં ૧૪મા ક્રમાંકે છે. ભાજપના શાસનમાં શિક્ષણનું વેપારીકરણ થયું છે.
ગ્રાન્ટેડ શાળાઓ ખૂલતી નથી, ખાનગીને ધડાધડ મંજૂરી
પાંચ વર્ષમાં રાજ્યમાં એક પણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી, જ્યારે બીજી બાજુ ૨૫૪૮ ખાનગી પ્રાથમિક શાળાઓ ખોલવા મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે પાંચ વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ખોલવામાં આવી નથી, બીજી બાજુ ૬૧૯ માધ્યમિક અને ૩૧૬ ઉચ્ચ માધ્યમિક ખાનગી શાળાઓ ખોલવાના પરવાના આપી દીધા છે.’
http://epaper.navgujaratsamay.com/details/7731-26667-1.html