‘ગુજસીટોક’, જમીન ટોચ મર્યાદા અંગેનું બિલ રાષ્ટ્રપતિ નામંજૂર કરે : કોંગ્રેસ

એહમદ પટેલ સહિતના કોંગ્રેસી અગ્રણીઓની રાષ્ટ્રપતિને રજૂઆત

કોંગ્રેસે જનહિત વિરોધી ગણાવ્યાં

કેનદ્ર સરકારે રાષ્ટ્રપતિને ખેત જમીન ટોચ મર્યાદા વિધેયક અને ગુજસીટોક મંજુરી માટે મોકલ્યાં

ગુજરાત સરકારના ખેત જમીન ટોચ મર્યાદા (સુધારા) વિધેયક અને ગુજસીટોક વિધેયકને કેન્દ્ર સરકારે મંજુરીની મહોર મારી દીધી છે. હવે આ બન્ને બિલને મંજુરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ એહમદ પટેલ સહિતના કોંગી આગેવાનોનું પ્રતિનિધિ મંડળ આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિને મળ્યું હતું અને આ બન્ને બિલો નામંજુર કરવા રજૂઆત કરી હતી.
એહમદ પટેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો આજે બપોરે બે વાગ્યે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યાં હતાં. પ્રતિનિધિ મંડળે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ખેત જમીન ટોચ મર્યાદા ધારામાં ગુજરાત સરકાર જે સુધારા વિધેયક લાવી છે તે ખેડૂત વિરોધી કાયદો છે. જ્યારે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક (ગુજસીટોક) નાગરિકોના મૂળભૂત અધિકારો વિરોધી છે.
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા વિધેયક ઉદ્યોગનો ફાયદો કરાવતું વિધેયક છે. આ બિલ મંજુર થઈ જાય તો નાના અને સીમાંત ખેડૂતો માટે નુકસાનકર્તા છે. કારણ કે ગુજરાતમાં હજારો એકર જમીન સરપ્લસ છે. ખેત જમીન ટોચ મર્યાદા ધારાથી ઘણી બધી જમીનો ફાજલ થયેલી છે. આ જમીનો અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, ઓબીસી તેમજ ખેતજમીન વિહોણા ખેતમજુરો અને સીમાંત ખેડૂતોને ફાળવવી તેવો હાલનો મૂળ કાયદો છે.
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે પણ ખેતીની જમીન, ખેતજમીન વિહોણા ખેતમજુરોને ફાળવવાની નીતિ અંગેના કાયદા વિશે કહ્યું છે. ઉદ્યોગના બદલે ખેતજમીન વિહોણો ખેતમજુર આવી જમીનનો સૌથી પહેલો હકદાર બને છે. પરંતુ આ વિધેયકમાં ફેરફાર કરીને ગુજરાત સરકાર ખેડૂતોનું સૌથી મોટું અહિત કરવા માંગે છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-land-ceiling-bill-to-deny-president