ગુજરાત સરકાર દ્વારા આર.ટી.આઈ એક્ટ ૨૦૦૫ નો અમલ કરવામાં આવતો નથી
ગુજરાત રાજ્યમાં (આર.ટી.આઈ એક્ટ) માહિતી અધિકાર કાયદા ની ઘણી બધી જોગવાઈનો ભંગ થઈ રહ્યો છે. તે કાયદાનો અમલ કરાવવા તેમજ જાહેર સેવા મેળવવાનો અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના કાયદાનો અમલ કરાવવા પ્રતિનિધિ મંડળે રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજીને રાજભવન ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આર.ટી.આઈ એક્ટ ૨૦૦૫ નો અમલ કરવામાં આવતો નથી. ગુજરાત સરકારના કુલ ૨૬ વિભાગોમાંથી માત્ર પાંચ વિભાગમાં તેનો અમલ થાય છે. તેવું સરકાર (સામાન્ય વહીવટ વિભાગ) સ્વીકારે છે. ખરેખર દુ:ખની બાબત એ છે કે,આ કાયદાનો અમલ કરાવનાર નોડલ એજન્સી તેવો સામાન્ય વહીવટ વિભાગ જ આ કાયદાનો અમલ કરતી નથી.
આ કાયદાના ભંગ બદલની વિગતો બાબતે મુખ્ય સચિવશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને ફરિયાદ કરવા છતાં આનો કોઈ પ્રત્યુત્તર અપાયેલ નથી.
પ્રજાને જાહેર સેવા મેળવવાનો અધિકાર છે. તે સિધ્ધાંતનો સ્વીકાર કરીને ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ ૨૦૧૩ કાયદો પસાર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૪માં તે કાયદા અંગેના નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી સદરહૂં કાયદાનો અમલ કરવા સરકાર અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કોઈ જ અસરકારક કાર્યવાહી કરી કાયદાને અમલી બનાવ્યો નથી. આ અંગેની લેખિત ફરિયાદ મુખ્યમંત્રીને કર્યા છતાં હુજ સુધી તેના અમલની ખાત્રીનો પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો