ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર
૨૦ વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે. સુરત ખાતે કડોદરાના વલેરી ગામે ઝેરી દારૂ-લઠ્ઠા ને કારણે ૧૮ થી વધુ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે.
ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરવાની કડક કાર્યવાહી માટે ગંભીર પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો લાજવાને બદલે ગાજી રહ્યાં છે, તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે.
ભાજપ શાસનમાં બુટલેગરો બેફામ છે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પરના કોન્સ્ટેબલની હત્યા કરીને ગુનેગારો ફરાર થઈ જવા, જેલમાંથી ગુનેગારોનું છૂમંતર થવું, શામળાજી ખાતે દારૂની ખેપ મારતાં બુટલેગરોએ જીપ ચડાવીને પી.એસ.આઈ. ની હત્યા કરી નાંખી, મહેસાણા ખાતે બુટલેગરો દ્વારા મહિલા પી.એસ.આઈ. ઉપર જાન લેવા હુમલો, વડોદરા ખાતે પોલીસ પર હુમલો, નર્મદાના રાજપીપળા ખાતે પોલીસ પર હુમલો, દાહોદના જુગારધામ પર દરોડા પાડવા ગયેલ પોલીસકર્મીઓ પર જાન લેવા હુમલો જેવી અનેક ઘટનાઓ સામાન્ય બનતી જાય છે.
પોલીસ તંત્રની રક્ષક તરીકે જાન-માલના રક્ષણને બદલે ખુદનું રક્ષણ કરવું પણ મુશ્કેલ બની ગયુ છે તે હદે બુટલેગરો છાકટા બની ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના ઈશારે કઠપૂતળી બનેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી – ભાજપ સરકાર શું કામ કરી રહી છે ? તે ગુજરાતમાં ઠેર ઠેર દારૂ જુગારના ચાલતાં અડ્ડાઓ અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પરથી ગુજરાતના નાગરિકો સમજી શકે છે. ખૂન-લૂંટ ધાડ-હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહિલાઓ પરના અત્યાચારોમાં અનેકગણો વધારો થયો છે.