ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે આયોજીત બેઠક

રાજ્યની આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીત ભાજપની નિષ્ફળતા અને જન સમસ્યાના મુદ્દાઓ-પ્રજાલક્ષી પ્રશ્નોને ઉજાગર કરવા માટે આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. શહેર/જીલ્લા પ્રમુખો અને પંચાયત અને મહાનગરપાલિકાના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓ, મહાનગરપાલિકા કો-ઓર્ડીનેશન કમિટીના સભ્યશ્રીઓ, ફ્રન્ટલ-ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓની રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, બેફામ ભ્રષ્ટાચાર અને મોંઘવારી ભાજપ સરકારની સૌથી મોટી સિદ્ધિ છે. ગુજરાતના નાગરિકો અચ્છે દિનના વાયદાનો ભોગ બન્યા છે. ડુંગળી, દાળ, ચોખા સહીત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના બેફામ ભાવો સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારો માટે મુશ્કેલી સમાન બની ગયા છે. ગુજરાત અને દિલ્હીની સરકારથી લોકો નિરાશ થયા છે. લોકતંત્રને જીવંત રાખવાની જવાબદારી કોંગ્રેસ પક્ષની છે અને તે માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ છે.