ગુજરાત કોંગ્રેસના નેતાઓ બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ વૃક્ષો, મકાનો અને પશુને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. સરકારે જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં તે લોકો માટે રાહત સહાય રૂપે કેશડોલની પણ જાહેરાત કરી છે. ત્યારે વાવઝોડુ આવીને ગયું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવન ફરીવાર બેઠું થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું હવે સુજ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોમાં જશે અને લોકોના પ્રશ્નોને સાંભળશે. તે ઉપરાંત પક્ષના કર્યકરો તરફથી શક્ય એટલી મદદ કરવામાં આવશે.
કોંગ્રેસને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ફરિયાદો મળી
કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પુષ્કળ ફરિયાદો કોંગ્રેસને મળી રહી છે. કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ જ ઓછી છે અને ખરા અર્થમાં જેટલા દિવસો તેઓ પ્રભાવિત થયા હતા તેની પુરતી રકમ મળી રહી નથી. જે ખેડૂતોના વૃક્ષોને ખુબ મોટા પાયે નુકશાન થયેલું છે તે નુકશાનીની આકારણી કે વળતર હજુ સુધી યોગ્ય રીતે અપાયું નથી.ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વીજળી પુનઃસ્થાપિત થઈ શકી નથી.પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અનેક ગામોમાં હજુ સુધી નિયમિત થઈ નથી.પશુપાલકો માટે ચરાણની ખુબ મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે મફત ઘાસનું વિતરણ હજુ શરૂ કરવામાં આવેલું નથી.
અસરગ્રસ્ત લોકોને હજી વળતર મળ્યું નથી
ગ્રામ્ય રસ્તાઓ અતિશય ખરાબ થયા છે તેને રીપેરીંગ કે વ્યવસ્થિત વાહનવ્યવહાર યોગ્ય કરવામાં આવ્યા નથી. કેટલાક વીજળીના થાંભલાઓ અને ફીડરો અતિશય નુકશાનીગ્રસ્ત થયા છે તેનું પુનઃ સ્થાપન થયું નથી. જે નાના વેપારીઓ, હાથલારી કે નાની દુકાનો ધરાવતા વેપારીઓને નુકશાન થયું છે તેમને વળતર આપવા માટે કોઈપણ ચકાસણી કે વળતરની રકમ આપવા માટેની વ્યવસ્થા થઈ નથી. જે અતિવૃષ્ટિનાં કારણે ખેડૂતોના બિયારણને નુકશાન થયું છે તેમજ કેરી અને ખારેકના પાકને મોટાપાયે નુકશાન થયું છે તેનો કોઈ વ્યવસ્થિત સર્વે થયેલ નથી કે વળતર મળેલ નથી.
કાર્યકરો જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપશે
પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી થયા મુજબ બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ તથા જીગ્નેશ મેવાણી, કચ્છ જીલ્લામાં લલિત કગથરા, જાવેદ પીરઝાદા તથા નૌશાદ સોલંકી, જામનગર અને દ્વારકા જીલ્લામાં અમરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા લલિત વસોયા, પોરબંદર જીલ્લામાં પરેશધાનાણી, ભીખુભાઈ વારોતરિયા તથા પાલ આંબલિયાની કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળશે. તેમજ શક્ય એટલી મદદ પણ કરશે. આ મુલાકાત બાદ આ આગેવાનો જીલ્લા કક્ષાએ કલેકટર અથવા જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી સંપૂર્ણ અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજૂ કરશે.
https://www.gujaratsamachar.com/news/gujarat/congress-leaders-will-visit-areas-affected-by-cyclone-biparjoy